________________
આવકાર
ડૉ. શાંતિભાઈ આચાર્યના આ લેખો આમ તો અવલોકન કે ચર્ચાના સ્વરૂપમાં છે, પણ તેમાં વિષયના સાંગોપાંગ અને ઝીણવટભર્યા અભ્યાસની દૃષ્ટિ સહેજે તરી આવે છે. પ્રતિપાદ્ય વિષયના મહત્ત્વના મુદ્દાઓનું તેઓ મૂળને અનુસરીને વ્યવસ્થિત તારણ આપે છે, અને તે મુદ્દા
ઓનું મહત્ત્વ શા કારણે છે તે દર્શાવીને સમગ્રપણે મૂલ્યાંકન કરે છે. તેમની શૈલી ચુસ્તપણે વસ્તુલક્ષી હોવા છતાં, અવારનવાર તેઓ ટાઢા કટાક્ષનો પણ સચોટ ઉપયોગ કરી શકે છે. અર્વાચીન ભાષાવિજ્ઞાનમાં આપણે ત્યાં કે આપણી આસપાસ થતા રહેતા થોડા થોડા કાર્યનું પણ આ રીતનું સમજદાર અને જાગ્રત વિવેચન ઘણું આવશ્યક અને ઉપયોગી છે. આ વિષયમાં અહીં તદ્દન ગણ્યાગાંઠયા કાર્યકરો હોવાથી, આપણે એવો આગ્રહ જરૂર રાખીએ કે ડૉ. આચાર્ય તેમની આ પ્રવૃત્તિને વધુ વ્યાપક સ્વરૂપ આપે અને હિંદી, અંગ્રેજી વગેરે ભાષામાં પ્રસિદ્ધ થતા ગ્રંથોની પણ અભ્યાસપૂર્ણ સમીક્ષાઓ આપતા રહે. અમદાવાદ,
હરિવલ્લભ ભાયાણી તા. ૧૯-૧-'૭૩