________________
૩
આ સાધના-પ્રક્રિયાનાં ત્રણ અંગ છે. બૌદ્ધ પરિભાષામાં તે શીલ, સમાધિ અને પ્રજ્ઞા તરીકે ઓળખાય છે.
શીલ અર્થાત્ યમ-નિયમ. અન્ય સર્વ યોગમાર્ગની જેમ શીલ આ સાધનાનો પાયો છે. આથી શિબિરમાં જોડાનાર પ્રત્યેક સાધકે કમ-માં-કમ શિબિર પૂરતી તો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને માદક પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવી પડે છે.
બીજું અંગ છે ‘સમાધિ’. સામાન્યતઃ આપણું ચિત્ત કશા ધ્યેય વિના ભટકતું રહે છે. આપણી જાણ બહાર તેમાં વિચારોની વણજાર ચાલ્યા જ કરતી હોય છે. એને સ્વાધીન કરી, વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહેવાની તાલીમ આ અંગમાં સમાવિષ્ટ છે. વિપશ્યનાની પરિભાષામાં રાગ-દ્વેષ વિહીન, સજગ અને એકાગ્ર ચિત્તથી, વર્તમાન ક્ષણની સચ્ચાઈને, નિરંતર, દીર્ઘકાળ પર્યંત જોતા રહેવાની ક્ષમતાને સમાધિ કહે છે. એના અભ્યાસ માટે આ પ્રક્રિયામાં બહુધા શ્વાસોચ્છ્વાસનું કે શરીરમાં ચાલી રહેલી જીવરાસાયણિક પ્રક્રિયાઓના કારણે અંગે અંગમાં થઈ રહેલ સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાઓનું અવલંબન લેવામાં આવે છે. ચિત્ત એકાગ્ર બને એટલું જ પર્યાપ્ત નથી; એ એકાગ્રતાની સાથે રાગ-દ્વેષ કે મોહનો કોઈ ભાવ ન ભળે અર્થાત્ સમાધિ સમ્યક્ રહે એ દિશામાં સાધક પ્રયત્નશીલ રહે છે.
આથી, શિબિરમાં પ્રારંભમાં સાધકને તેના શ્વાસોચ્છ્વાસનું નિરીક્ષણ કરવાનું કામ સોંપવામાં આવે છે. શ્વાસોચ્છ્વાસની ગતિમાં ફેરફાર કરવાનો કશો પ્રયત્ન કર્યા વિના, અંદર આવતા ને જતા શ્વાસની તેણે માત્ર નોંધ જ લેવાની હોય છે. સતત બહિર્મુખ રહેતા ચિત્તને અંતર્મુખ કરવાનું પ્રશિક્ષણ આમાં મળે છે. શ્વાસોચ્છ્વાસ ઉપર ચોકી રાખવાના આ કામમાં ચિત્ત જેમ જેમ પલોટાતું જાય છે તેમ તેમ તેની ચંચળતા ઘટે છે અને સાથો-સાથ શ્વાસની ગતિ ધીમી, શાંત અને નિયમિત થતી જાય છે. શ્વાસોચ્છ્વાસની આવજાવ ઉપર એકચિત્તે નજર રાખવાનો મહાવરો થયા પછી, શ્વાસોચ્છ્વાસ દરમ્યાન ઉપલા હોઠ તેમજ નસકોરાની ધાર પર જે કંઈ સંવેદનો અનુભવાય તેને જાગ્રત રહી, તટસ્થતાપૂર્વક જોવા-અનુભવવાના હોય છે. એકાગ્રતાના અભ્યાસ માટે આ પ્રક્રિયા અત્યંત સરળ છતાં ખૂબ અસરકારક છે. બૌદ્ધ