________________
વિપશ્યના- શિબિરમાં ગયેલા.
સંભવ છે કે તમને પણ તમારા કોઈ પરિચિતે વિપશ્યના-શિબિરના પોતાના આવા જ કોઈક જાત અનુભવની વાત કરી હોય. દશ દિવસના ટૂંકા ગાળામાં આવાં પરિણામ શકય બનાવતી સાધના વિશે વધુ જાણવાની ઈંતેજારી કોને ન હોય?
અવચેતન મનમાં પડેલ જન્મ-જન્માંતરના સંસ્કારોને દૂર કરી, અવચેતન મનને પણ વિમળ કરવાની નેમ ધરાવતી ભારતની જ લુપ્ત થયેલી એ પ્રાચીન સાધના ‘વિપશ્યના'ના નામે ઓળખાય છે. તેમાં પ્રારંભથી જ સમત્વ અને સાક્ષીભાવની કેળવણી રહેલી હોવાથી, જેનાથી સમભાવ વધે તે સામાયિક એ જૈન પરિભાષાને આગળ કરીને, એ સાધનાને આપણે સામાયિકની સાધના’ કહી શકીએ.
એ પ્રક્રિયા બર્મામાં બૌદ્ધ પરંપરામાં સચવાઈ રહેલી. છેલ્લા બે દાયકાથી એ પુન: ભારતમાં તેમજ વિદેશોમાં પ્રસાર પામી રહી છે. પ્રાથમિક નજરે તે બૌદ્ધ પ્રક્રિયા હોવાનો ભાસ થાય એ સ્વાભાવિક છે. પરંતુ, ધાર્મિક ક્રિયાકાંડના કોઈ રંગે તે રંજિત થયેલી ન હોવાથી કોઈ પણ ધાર્મિક સંપ્રદાયની વિવેકશીલ વ્યકિત વિના સંકોચ તેને અપનાવી શકે છે, એટલું જ નહિ, નાસ્તિક ગણાતી અર્થાતુ કોઈ ધર્મ-મતને ન માનનાર વ્યકિત પણ તેનો પ્રયોગ કરી લાભ મેળવી શકે છે, કારણ કે તેમાં કોઈ મત-પંથના મંત્ર, મૂર્તિ કે કોઈ પ્રતીકનું અવલંબન લેવું પડતું નથી. તેમાં તો કેવળ પોતાના શ્વાસોચ્છવાસના અવલંબને અંતર્મુખ થઈ, સતત પરિવર્તનશીલ શરીરધારાનું ને પછીથી ચિત્તધારાનું નિર્લિપ્તભાવે નિરીક્ષણ કરતાં રહીને, દ્રષ્ટાભાવના અભ્યાસનો આરંભ અને વિકાસ કરવાનો હોય છે. તેથી કોઈ પણ ધર્મ, મત કે પંથ સાથે તેને વિરોધ નથી.
નવા અભ્યાસીએ સાધનાની શરૂઆત કરવા પૂર્વે દશ દિવસની એકાદ શિબિરમાં જોડાઈ, નિષ્ણાતની દેખરેખ હેઠળ તેની પ્રારંભિક તાલીમ લેવી આવશ્યક હોવાથી, અહીં સાધનાની વિગતોમાં ન ઊતરતાં તેનો માત્ર આછો પરિચય જ પ્રસ્તુત છે.