________________
૬૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કરી ધૂપથી ધૂપી પછી ભગવંતની (આ પુસ્તકમાં આગળ કહેવાશે) તે વિધિપૂર્વક પૂજાત્રિક (અંગપૂજા, અંગ્રપૂજા, ભાવપૂજા) કરીને પહેલાં કર્યું હોય કે ન કર્યું હોય પણ પ્રભુસાક્ષીએ પચ્ચક્ખાણ કરે.
રાજા આદિ મહદ્ધિકોને જિનમંદિર જવાનો વિધિ.
विहिणा जिणं जिणगेहे गंतुं अच्चेइ उचियचितओ । उच्चरइ पच्चक्खाणं दृढपंचाचारगुरूपासे ॥६॥
विधिना जिनं जिनगृहे गत्वाऽर्चति उचितचिन्तारतः ।
उच्चरति प्रत्याख्यानं दृढपंचाचारः गुरूपार्श्वे ॥६॥
વિધિપૂર્વક જિનેશ્વર ભગવતના મંદિરે જઈ વિધિપૂર્વક ઉચિત ચિંતવના કરીને (દેરાસરની દેખરેખ કરી) વિધિપૂર્વક જિનની પૂજા કરે. એમ સામાન્ય અર્થ બતાવી વિશેષ અર્થ બતાવે છે.
મંદિર જનાર જો રાજા કે મહર્ષિક હોય તો સર્વ ઋદ્ધિથી, સર્વ ઐશ્વર્યથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ પરાક્રમથી, જૈનશાસનનો મહિમા વધારવા માટે મોટી ઋદ્ધિપૂર્વક મંદિરે જાય, જેમ દશાર્ણભદ્ર રાજા શ્રી વીતરાગને વંદન કરવા ગયો હતો તેવી રીતે જાય.
દશાર્ણભદ્ર રાજાનું દૃષ્ટાંત.
દશાર્ણભદ્ર રાજાએ અભિમાનથી એવો વિચાર કર્યો કે, જેવી રીતે કોઈએ પણ પ્રભુ મહાવીરને વાંઘા ન હોય એવા ઠાઠમાઠથી હું વાંદવા જાઉં, એમ ધારી તે પોતાની સર્વઋદ્ધિ સહિત, પોતાના સર્વ પુરુષોને યથાયોગ્ય શૃંગાર પહેરાવીને તથા દરેક હાથીના દંતશૂળ ઉપર સોના-રૂપાના શૃંગાર પહેરાવીને ચતુરંગિણી સેના સહિત પોતાની અંતેઉરીઓને સોના-રૂપાની પાલખીઓ કે અંબાડીઓમાં બેસાડી સર્વને સાથે લઈ ઘણા જ ઠાઠથી ભગવંતને વાંદવા આવ્યો.
તે વખતે તેને ઘણું જ અભીમાન થયેલ જાણી તેનો મદ ઉતારવા માટે સૌધર્મેન્દ્રે શ્રી વીરને વાંદવા આવતાં દિવ્ય ઋદ્ધિની રચના કરી. તે વૃદ્ધ ઋષિ મંડળ સ્તોત્રવૃત્તિથી અહીંયાં બતાવે છે. પાંચસો ને બાર મસ્તકવાળા, એવા ચોસઠ હજાર હાથી બનાવ્યા. તેને એકેક મસ્તકે (કુંભસ્થળે) આઠ-આઠ દંતશૂળ, એકેક દંતશૂળે આઠ આઠ વાવડીઓ, એકેકી વાવમાં લાખ પાંખડીવાળાં આઠ-આઠ કમળ, અને દરેક પાંખડીમાં બત્રીસ દિવ્ય નાટક, દરેક કર્ણિકામાં એકેક દિવ્ય પ્રાસાદ અને દરેક પ્રાસાદમાં અગ્રમહિષીની સાથે ઇન્દ્ર ભગવાનના ગુણ ગાય છે, એવી ઋદ્ધિથી ઐરાવત હાથી ઉપર બેસી આવતા ઇન્દ્રને જોઈ, દશાર્ણભદ્ર રાજાએ દીક્ષા ગ્રહણ કરી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી.
શક્રેન્દ્રે બનાવેલા હાથીઓના મુખની, કમળની, તેમજ કમળની પાંખડીની સંખ્યા પૂર્વાચાર્યોએ ઘણી રીતે બતાવી છે. તે અન્યત્રથી જાણી લેવી.