________________
સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ.
૪૩
જમાડીને કે કેટલાક શ્રાવકને જમાડીને યથાશક્તિ સાધર્મિકવાત્સલ્ય કરવાનો કે પ્રતિવર્ષે દીન હીન દુ:ખીયા શ્રાવકને યથાશક્તિ ઉદ્ધરવાનો. -
દરરોજ કેટલાક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો, નવા જ્ઞાનનો અભ્યાસ કરવાનો કે તેમ ન બની શકે તો ત્રણસો આદિ ગાથાનો સ્વાધ્યાય કરવાનો; નિરંતર દિવસે નવકારસી આદિ અને રાત્રે દિવસચરિમ (ચોવિહાર) વિગેરે પચ્ચક્ખાણ કરવાનો; બે ટાઈમના પ્રતિક્રમણ કરવાનો; એ વિગેરે નિયમો શરૂમાં લેવા જોઈએ.
ત્યારપછી યથાશક્તિ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં, તેમાં સાતમા ભોગોપભોગ વ્રતમાં સચિત્ત, અચિત્ત, મિશ્ર વસ્તુનું યથાર્થ જાણપણું રાખવું. સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુઓનું સ્વરૂપ.
પ્રાયઃ સર્વ ધાન્ય, ધાણા, જીરૂં, અજમો, વરીયાળી, સુવા, રાઈ, ખસખસ આદિ સર્વ જાતિના દાણા, સર્વ જાતિનાં ફળ, પત્ર, લૂણ, ખારી(ધુળીઓ ખારો), પાપડખાર, રાતો સિંધવ, સંચળ (ખાણમાં પાકેલો પણ બનાવટનો નહીં), માટી, ખડી રમચી`, લીલાં દાતણ એ બધાં વ્યવહારથી સચિત્ત જાણવાં.
પાણીમાં પલાળેલા ચણા, ઘઉં વિગેરે કણ તથા મગ, અડદ, ચણા આદિની દાળ પણ જો પાણીમાં પલાળી હોય તો મિશ્ર જાણવાં; કેમકે, કેટલીકવાર પલાળેલી દાળ વિગેરેમાં થોડા વખત પછી ફણગા ફૂટે છે. તેમજ પહેલાં લૂણ દીધા વિના કે બાફ પ્રમુખ દીધા વિના કે રેતી વગર સેકેલા ચણા, ઘઉં, જુવાર વગેરે ધાન્ય; ખાર વિગેરે દીધા વિનાના ફકત શેકેલા તલ, ઓળા (પોપટા -લીલા ચણા), પોંક, સેકેલી ફળી, પાપડી તેમજ મરી, રાઈ, હીંગ પ્રમુખ તથા વઘારવા માટે રાંખેલાં ચીભડાં, કાકડી તથા સચિત્ત બીજ જેમાં હોય, એવાં સર્વજાતિનાં પાકેલાં ફળ; એ બધાં મિશ્ર જાણવાં.
જે દિવસે તલપાપડી કરી હોય, તે દિવસે મિશ્ર જાણવી. પણ રોટલી, રોટલા, પુરી વગેરેમાં જો તલપાપડી નાંખી હોય, તો તે રોટલી પ્રમુખ બે ઘડી પછી અચિત્ત સમજવા. વળી દક્ષિણ દેશ માળવા વિગેરે દેશોમાં ઘણો ગોળ નાંખીને તલપાપડી બનાવે છે તેથી તેને અચિત્ત ગણવાનો વ્યવાર છે.
વૃક્ષથી તત્કાલ લીધેલા ગુંદ, લાખ, છાલ, તથા નાળિયેર, લીંબુ, જાંબુ, આંબા, નારંગી, દાડમ, સેલડી વગેરેનો તત્કાળનો કાઢેલો રસ કે પાણી; તત્કાળ કાઢેલું તલ વિગેરેનું તેલ; તત્કાળ ભાંગેલ નાળિયેર, સીંગોડાં, સોપારી પ્રમુખ ફળ; બીજ તત્કાળ કાઢી નાંખેલાં પાકેલાં ફળ, ઘણા દબાવીને કણીયા રહિત કરેલ જીરૂં, અજમો વિગેરે, બે ઘડી વાર સુધી મિશ્ર જાણવાં, ત્યાર પછી અચિત્ત થાય એવો વ્યવહાર છે. બીજા પણ કેટલાક પદાર્થ પ્રબળ અગ્નિના યોગ વિના જે અચિત્ત કીધેલા હોય, તે પણ બે ઘડી સુધી મિશ્ર અને ત્યારપછી અચિત્ત જાણવા એવો વ્યવહાર છે.
૧. કેટલાક સ્થળોએ, ગામડાંઓમાં પશુઓને શણગારવા જે લાલ માટીનો ઉપયોગ થાય છે તે.