________________
દ્રવ્યક્રિયા ઉપર વેશ્યાની કથા.
૧૯
રાજગૃહી આવીને ત્યાં ધર્મશાળામાં ઉતરી અને શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં પૂજાચૈત્યવંદન કરવા ગઈ ખુબ ભક્તિપૂર્વક સ્તવનોથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે જોઈ. દર્શન કરી નીકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભોજનનું નિમંત્રણ આપ્યું અને તેનું નામઠામ પૂછ્યું. કપટનધાન ગણિકાએ કહ્યું કે, “હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબયોગે થોડા જ વખતમાં તે મૃત્યુ પામ્યો, હું શોક અને દુઃખથી મારા દિવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે ‘આમ ખેદથી માનવભવ શા માટે એળે કાઢે છે ? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.' આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરૂં છું. જુદા જુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધર્મિ એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.”
અભયકુમારે શ્રાવિકાની આ ભક્તિ જોઈને ખુશ થયેલો સાધર્મિક બેનની ભક્તિ રૂપે સપરિવાર તેને પોતાને ત્યાં ભોજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર જમવા વખતે જાતે હાજર રહ્યો. કપટી શ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસનો આટો છે, સચિત છે કે અચિત્ત છે, વિગેરે પૂછી તપાસી પછી જ લેતી. આ પ્રમાણેની તેવી ચોક્કસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ.
કેટલાક વખત પછી કપટ નિધાન તેણીએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેનો સ્વીકાર કર્યો. ભોજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાયો. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યો કે તુર્ત તેણે બીજાદ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રઘોતનાં નગરે પહોંચાડ્યો અને ચંડપ્રદ્યોતને સોંપ્યો. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપે વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવિકાની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય.
ભાવશ્રાવક :- ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે ભાવશ્રાવક કહેવાય છે. આ ભાવનિક્ષેપ ગણાય છે.
જેમ નામગાય, સ્થાપનાગાય અને દ્રવ્યગાયથી દૂધની પ્રાપ્તિ થતી નથી. તેમ નામશ્રાવક, સ્થાપનાશ્રાવક અને દ્રવ્યશ્રાવકપણું મુક્તિનું સાધક થતું નથી. આ ગ્રંથમાં ભાવશ્રાવક અધિકાર કહેવામાં આવશે. (ભાવશ્રાવકપણું પ્રાપ્ત કરવાના ઉપાયરૂપ આ ગ્રંથ છે.)
ભાવશ્રાવકના ત્રણ ભેદ
ભાવશ્રાવકના ત્રણ ભેદ છે. ૧ દર્શનશ્રાવક, ૨ વ્રતશ્રાવક અને ૩ ઉત્તરગુણશ્રાવક. ૧. દર્શનશ્રાવક :- કેવળ સમ્યક્ત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી; શ્રેણિક તથા કૃષ્ણાદિ જેવા પુરુષો સમજવા.