________________
૧૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ જેમ ચઢતા ગયા તેમ તેમ શુક્લધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચરી શુકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિ કરનાર શુકરાજે ભદ્રપ્રકૃતિને લઈ સમકિત સાધી મુક્તિને મેળવી.
શ્રાવકનું સ્વરૂપ
नामाई चउभेओ सड्डो भावेण इत्थ अहिगारो । तिविहो अ भावसड्डो दंसण-वय उत्तरगुणेहिं ॥४॥
नामादिश्चतुर्भेदः श्राद्धो भावेनात्राधिकारः ।
त्रिविधश्च भावश्राद्धो दर्शन-व्रत उत्तरगुणैश्च ॥४॥
શ્રાવક ચાર પ્રકારના છે. ૧ નામશ્રાવક, ૨ સ્થાપનાશ્રાવક, ૩ દ્રવ્યશ્રાવક અને ૪ ભાવશ્રાવક, (આ ચાર ૧નિક્ષેપા ગણાય છે.)
નામશ્રાવક ઃ- શ્રાવક શબ્દના અર્થથી રહિત, જે કેવલ ‘શ્રાવક’ એવા નામને ધારણ કરનારો હોય તે, જેમ કોઈનું ઈશ્વર નામ હોય, પણ તે દરિદ્ર હોય, તો તે નામનિક્ષેપ ગણાય છે.
સ્થાપનાશ્રાવક ઃ- કોઈક ગુણવંત શ્રાવકની કાષ્ઠ કે, પાષાણાદિકની પ્રતિમા કે, છબી બનાવી હોય તે સમજવી. અર્થાત્ તેવી પ્રતિમા કે, છબીને સ્થાપનાશ્રાવક સમજવા. એ સ્થાપનાનિક્ષેપ ગણાય છે.
દ્રવ્યશ્રાવક :- ભાવ ન હોવા છતાં શ્રાવકની ક્રિયા કરનારો દ્રવ્યશ્રાવક કહેવાય છે. જેમ ચંડપ્રદ્યોત રાજાની આજ્ઞાથી અભયકુમારને બાંધવા માટે વેશ્યાઓએ શ્રાવિકાધર્મની ક્રિયા કરી હતી. આ દ્રવ્યનિક્ષેપ ગણાય છે.
વેશ્યા દ્વારા દ્રવ્યક્રિયા :
ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિ વડે ભેદનીતિથી લડાઈ કર્યા વગર ચંડપ્રદ્યોત આક્રમણ કરવાનું છોડી પોતાની નગરીએ ચાલ્યો ગયો પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગ્યો છે માટે તેને બાંધી પકડી લાવવા ઉદ્ઘોષણા કરી.
એક વેશ્યાએ રાજાની આ ઉદ્ઘોષણાનો સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયોગી સૂત્રોનો અભ્યાસ ટુંક સમયમાં જ કર્યો. અને શ્રાવિકાનો સ્વાંગ સજી રાજગૃહી તરફ ચાલી.
૧. નિક્ષેપ-અતિશયે કરીને વસ્તુનું સ્થાપન કરવું, એટલે ઉપચાર ઘટના; અર્થાત્ ઉપચારથી વસ્તુને ઘટાવવી.