________________
૩૫૬
પરિશિષ્ટ
સદુપયોગ કરવામાં આવે તો તે શક્તિ અને સામગ્રી ઉત્તરોત્તર વધુ ને વધુ તીવ્ર-તેજસ્વી બનતી ને જાય છે. કોઈને પણ સહાય કરવાની જેનામાં વૃત્તિ નથી, એનામાં સાધુતા કદી પણ ઝળકી શકતી નથી. એટલું જ નહિ, પણ પ્રાપ્ત થયેલ શક્તિનો સદુપયોગ ન કરવાથી જીવ એવા પ્રકારનું આવરણ ઉપાર્જન કરે છે કે તેના યોગે તેને ભવિષ્યમાં અધિક પ્રકાશ મળતો અટકી જાય છે અને પ્રાપ્ત થયેલી શક્તિઓ પુનઃ મેળવવાની ભૂમિકા પણ નષ્ટ થાય છે.
આ રીતે પ્રાપ્ત શક્તિનો સદુપયોગ ન કરવો તે પરિણામે પોતાના જ અહિતમાં પરિણમે છે. સાધુપદને પ્રાપ્ત થયેલો વિવેકી આત્મા પ્રકૃતિના આ સનાતન નિયમને સારી રીતે જાણતો હોવાથી, પોતાને પ્રાપ્ત થયેલ તમામ શક્તિઓને સ્વપરનું અહિત ન થાય કિન્તુ હિત થાય તે રીતે સતત સત્કાર્યોમાં જોડી દે છે. પરનાં હિતકાર્યોમાં તેને કદી પણ થાક લાગતો નથી, કારણ પારકાના હિતમાં જ તેને પોતાનું હિત બરાબર સમજાઈ ગયું હોય છે. પ્રકૃતિનો નિયમ એવો છે કે મનુષ્ય જેટલો વધારે પરોપકારમાં રસવાળો બને છે, તેટલો જ તે વધારે સ્વપરોપકારને પોતાના કલ્યાણને સાધનારો બને છે.
અનાદિથી આ જીવ અશુદ્ધ વૃત્તિઓથી ખરડાયેલો છે, તેથી સ્વાર્થવૃત્તિ તેનામાં સહજ છે. એ સ્વાર્થવૃત્તિ જ જીવનમાં રહેલી પશુતાનો અંશ છે. એના યોગે જ જગતમાં અનેક પ્રકારની અથડામણો અને સંઘર્ષો ઉભા થાય છે, જ્યારે બીજાને સહાય કરવાની વૃત્તિ એ દિવ્યતાનું ઝરણું છે, ભાવ ઐશ્વર્યની સુવાસ છે. આ સહાયવૃત્તિ સહજ નથી, પણ કેળવવાની ચીજ છે. ઘણા કાળ સુધી આદર અને સત્કાર પૂર્વકના સતત અભ્યાસ વિના તે સ્થિર થતી નથી, જીવનમાં આ સહાયવૃત્તિને - બીજાને સહાયક બનવાની વૃત્તિને જગાડવાનો અમોઘ ઉપાય સાધુપદને ભાવથી નમસ્કાર કરવો તે છે. આ સહાયવૃત્તિ જગાડવાથી સ્વાર્થવૃત્તિનો વિલોપ થાય છે. કાર્ય-કારણની સનાતન વ્યવસ્થા
તાત્પર્ય એ છે કે સેવા ગુણ (સહાયવૃત્તિ)ના વિકાસ વિના સાચો વિનયગુણ પ્રગટી શકતો નથી. વિનયગુણનું સ્વરૂપ જ એવું છે કે તેમાં બાહ્ય સેવા અને હૃદયનો પ્રેમ, આ બંને વસ્તુ હોય ત્યારે જ તે વિનય સાચા ગુણરૂપ બની શકે. વિનયગુણના વિકાસ વિના સદાચારની વિદ્યા અર્થાત્ મોક્ષમાર્ગનું સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી અને સદાચારની વિદ્યા-મોક્ષમાર્ગના સાચા જ્ઞાન વિના સદાચારનું પણ પાલન થઈ શકતું નથી. સદાચારના પૂર્ણ પાલન સિવાય સિદ્ધપદની પ્રાપ્તિ થઈ શકતી નથી, સિદ્ધપદની પ્રાપ્તિની અભિલાષા અરિહંત પદની આરાધના વિના શક્ય નથી.
આ રીતે એક અપેક્ષાએ નવકારના પાંચેય પદો કાર્યકારણરૂપ હોવાથી સમાન આદરણીય બને છે. કાર્યસિદ્ધિની ઇચ્છાવાળો સાચાં કારણોની કદી પણ ઉપેક્ષા કરે નહિ. એટલું જ નહિ. પણ વાસ્તવિક કારણોના સેવનમાં જ તે પોતાનું તમામ પરાક્રમ ફોરવે છે. વાસ્તવિક કારણોમાં મંડ્યા રહેવું એ જ કાર્યસિદ્ધિનો અમોઘ મંત્ર છે. હંમેશાં સેવન તો કારણોનું જ કરવાનું હોય છે. કાર્ય તો એના કાળે આવીને ઊભું રહે જ છે.