________________
શ્રી પરમેષ્ઠિ-નમસ્કૃતિ
जीयात् पुण्याङ्गजननी, पालनी शोधनी च मे । હંસવિશ્રામ-મત-શ્રી:-સવેટ્ટનમસ્કૃત્કૃતિઃ ॥॥
જે પંચપરમેષ્ઠિ-નમસ્કૃતિ (૧) માતાની જેમ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે. (૨) પુણ્યરૂપી શરીરનું પાલનપોષણ કરે છે, (૩) તેને સ્વચ્છ રાખે છે અને (૪) જીવરૂપી હંસને વિશ્રામ લેવા માટે કમળની શોભાને ધારણ કરે છે તે શ્રી પંચપરમેષ્ઠિ-નમસ્કૃતિ હંમેશાં જયવંતી રહો.
નમસ્કારનો પરિચય
શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચને જૈનશાસનમાં ‘પંચપરમેષ્ઠિ’ની સંજ્ઞા આપવામાં આવી છે. ઇષ્ટનમસ્કૃતિ, પંચપરમેષ્ઠિનમસ્કાર અને નમસ્કારમહામંત્ર પણ એનાં જ બીજાં નામો છે. આ પંચપરમેષ્ઠિના ગુણોના ખ્યાલથી તેમના પ્રત્યે નમ્રતા પૂર્વકનો સાચો ભક્તિભાવ પ્રગટે છે. તેથી સંક્ષેપમાં તેમનું સ્વરૂપ નીચે રજૂ કરવામાં આવે છે. શ્રીઅરિહંતનો ઉપકાર
શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના આદ્ય પ્રકાશક હોવાથી વિશ્વ ઉપર એમનો ઉપકાર મહાન અને અજોડ છે. મોક્ષનો માર્ગ ચર્મચક્ષુને અગોચર હોય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ જાણી શકાતો નથી. શ્રી અરિહંત પરમાત્માઓના આત્માઓ સમગ્ર જગતનું કલ્યાણ કરનારી સર્વહિતકારિણી એવી પ્રકૃષ્ટ શુભભાવના સહિત, પૂર્વભવોમાં મોક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે કે જેથી ચરમભવમાં તેઓ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે, યોગ્ય અવસરે સંયમ સ્વીકારે છે, અપ્રમત્તભાવે સંયમનું પાલન કરે છે, ઘાતીકર્મો ખપાવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાનચક્ષુથી જોઈને તેને યથાર્થરૂપમાં જગતના જીવો સમક્ષ જાહેર કરે છે.
એમના બતાવેલા માર્ગે પ્રયાણ કરીને અનેક આત્માઓ પોતાનું શુદ્ધપદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. ભવિષ્યમાં પણ આ મોક્ષમાર્ગનો પ્રવાહ ચાલુ રહે તે માટે શ્રી અરિહંત પરમાત્માઓ તીર્થની સ્થાપના કરે છે અને એ તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કહેવું હોય તો ત્રણે કાળમાં મોક્ષનો માર્ગ ચાલુ રહે છે, તેમાં મુખ્ય ફાળો શ્રી અરિહંત પરમાત્માઓનો હોય છે અને એથી એમનો ઉપકાર અજોડ અને મહાન બની જાય છે. એવા અનંત ઉપકારી અરિહંતોને નમસ્કાર કરવાથી આપણામાં કૃતજ્ઞતા નામનો ગુણ પ્રગટ થાય છે. શ્રી સિદ્ધોનું અવિનાશીપણું
સિદ્ધ પરમાત્માઓનો મુખ્ય ગુણ અવિનાશીપણું છે. શ્રી સિદ્ધ પરમાત્માનો આ અવિનાશીપણાનો ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી અરિહંત પરમાત્માઓ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે અને જગતને સિદ્ધપદને માર્ગે દોરે છે. માટે જ અનુપમ ઉપકારી તરીકે તેમની ગણતરી થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર છે. આ