________________
૩૩૪
પરિશિષ્ટ શ્રી નમસ્કાર મંત્રના જાપમાં વિશેષ પ્રગતિ સાધવા માટે અહીં એક અતિ મહત્ત્વની એ હકીકત પણ ખાસ સમજવા જેવી છે કે તત્વથી જોઈએ તો સત્તાથી આપણો આત્મા જ પરમાત્મા છે. આપણા આત્મામાં જ પરમાત્માપણું છુપાયેલું છે. પણ અજ્ઞાનવશ સૌ કોઈ તે વાતને જાણી શકતા નથી. જેમ કોઈ ચક્રવર્તીએ ભિખારીનો વેશ ધારણ કર્યો હોય ત્યારે સામાન્ય માણસ એને મૂળસ્વરૂપમાં ઓળખી શકે નહિ તેમ અંદરથી આપણો આત્મા પરમાત્મા હોવા છતાં આપણે અજ્ઞાનતાથી તેને ઓળખી શકતા નથી. જ્ઞાનીઓ આ વાતને બકરાના ટોળામાં ભળી ગયેલા સિંહના દષ્ટાંતથી નીચે પ્રમાણે સમજાવે છે.
એક સિંહનું બચ્ચું જન્મથી જ બકરાના ટોળામાં ઊછર્યું હતું. તેથી તેને એમ જ થઈ ગયું કે હું પણ આવું બકરું જ છું. એક વખત તેણે બીજા સિંહને જોયો અને તે સિહના કહેવાથી તેને ભાન થયું કે હું બકરું નથી. મારી જાત જુદી જ છે. હું તો સિંહ છું. એવું ભાન થતાંની સાથે જ તેની બધી નબળાઈ ચાલી ગઈ અને મનમાં સિંહનું પરાક્રમ પણ ખીલી નીકળ્યું.
તેવી જ રીતે આપણી અજ્ઞાનતા ટાળવાનો ઉપાય પરમેષ્ઠિઓનું ધ્યાન કરવું તે છે. તેમનાં સ્વરૂપનો વિચાર કરવાથી આપણી અજ્ઞાનતા ટળી જાય છે. શ્રી નમસ્કાર મંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠિ ભગવંતોના સ્વરૂપનો વિચાર કરતાં કરતાં જીવને એક દિવસ એવું ભાન થાય છે કે, મારું પણ તત્ત્વથી આવું જ સ્વરૂપ છે. હું પણ આ પરમેષ્ઠિ ભગવંતો જેવો જ છું. એક એવો નિયમ છે કે “જે જેનું ધ્યાન ધરે છે તે અંતે તેના જેવો જ થાય.” એટલે પરમેષ્ઠિઓનું ધ્યાન કરનાર અંતે પરમેષ્ઠિસ્વરૂપ બને છે.
આ બધું વિધિપૂર્વકના શ્રી નમસ્કાર મંત્રના જાપના પ્રભાવે એક દિવસ જીવને જરૂર સમજાય છે, અનુભવમાં આવે છે. અને એટલા માટે જ નમસ્કાર મંત્રનો આટલો બધો મહિમા શાની પુરુષોએ ગાયો છે.
જો કે કોઈપણ કાર્ય અભ્યાસ વિના સિદ્ધ થતું નથી. સાયકલ કે મોટર ચલાવવા જેવી સામાન્ય લૌકિક ક્રિયા માટે પણ શરૂઆતમાં તેને માટે યોગ્ય પ્રયત્ન કરવો પડે છે. તેમાં અન્ય જાણકાર તરફથી માર્ગદર્શન અને સહાય લેવાની અપેક્ષા રહે છે અને તો જ કાર્ય સિદ્ધ થાય છે. વળી તે એક જ ઝપાટે સિદ્ધ થતું નથી પણ અનેક વારના પ્રયત્ન પછી સિદ્ધ થાય છે. અને સિદ્ધ થયા પછી તો સાવ સહજ બની જાય છે અને તે સંબંધી બધા જ ભયો ટળી જાય છે.
વિશ્વવિખ્યાત મોટા મોટા ગણાતા મલ્લો, કુસ્તીબાજો, વૈજ્ઞાનિકો, યોદ્ધાઓ, જાદુગરો વગેરે વિશ્વમાં જે આશ્ચર્યકારક કાર્યો કરી બતાવે છે તે કાંઈ તેઓ એક જ દિવસમાં એવું બળ કે એવી કળા મેળવી લેતા નથી. પણ તે માટે જ્યારે જરૂર પડે અને જ્યાં જરૂર પડે ત્યાં અનુભવીઓની સલાહ મુજબ લાંબો સમય વિધિપૂર્વક નિયમિત અભ્યાસ કરીને તેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે શ્રી નમસ્કાર મંત્રના જાપના વિષયમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ભાવપૂર્વક નિયમિત અભ્યાસ કરવાથી ધીમે ધીમે તેનું રહસ્ય ખૂલતું જાય છે. - લોકમાં કહેવાય છે કે કામ કામને શીખવાડે છે, એ કહેવત શ્રી નમસ્કારના જાપમાં પણ એટલી જ લાગુ પડે છે. વિધિપૂર્વક શ્રી નમસ્કારના જાપમાં પ્રવેશ કરવાથી સમતા પૂર્વક તેમાં