________________
પ્રવેશ.
૩૩૩
એટલા માટે જ વિવેકી પુરુષોને સાકરની માખી જેવા કૈહ્યા છે, સાકરની માખી સાકરનો સ્વાદ લેવા સાકર ઉપર બેસે છે અને તેમાંથી પોતાનું પોષણ પણ કરે છે. પરંતુ અવસર આવે તરત જ ત્યાંથી ઊડી જાય પણ અંત સુધી તેમાં જ ચોંટી રહેતી નથી એટલે તેનો એકદમ નાશ થઈ જતો નથી.
જ્યારે અવિવેકી મનુષ્યોને ગોળના મંકોડાની ઉપમા આપવામાં આવી છે. ગોળનો મંકોડો ગોળના સ્વાદમાં લીન થઈને તેમાં એવો ચોંટી જાય છે અને તેમાં ફસાઈ જાય છે કે અંતે તેમાં જ તે વિનાશ પામે છે.
અવિવેકીનું મન શાંત અને પ્રસન્ન હોતું નથી. મનની શાંતતા, મનની પ્રસન્નતા તથા વિવેકીપણું એ બધું શ્રી નમસ્કાર મહામંત્રના વિધિપૂર્વક અને સ્થિર ચિત્તે કરાતા જાપના પરિણામે પ્રગટે છે. તેથી જ શ્રી નમસ્કાર મંત્રનું સ્મરણ એ દુઃખથી ભરેલા આ સંસારમાં ઘણી મોટી ચીજ બની જાય છે. અને એટલા માટે જ અનુભવી પુરુષો તરફથી વારંવાર શ્રી નમસ્કારમંત્રના જાપનું વિધાન કરવામાં આવ્યું છે.
શ્રી નમસ્કાર મંત્રનો જાપ એટલે પંચપરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ અને પંચપરમેષ્ઠિ ભગવંતનું સ્મરણ એટલે વિશુદ્ધ આત્મદશાનું સ્મરણ. એ આત્મવિકાસનો મુખ્ય પાયો પણ છે અને જીવનવિકાસનો અંતિમ ઉપાય પણ એ છે.
દૃષ્ટાંત તરીકે ધારો કે એક મોટું વિદ્યાલય છે. તેમાં એકથી વીસ વર્ગ છે. તે વિદ્યાલયમાં પ્રારંભિક એકડો પણ ત્યાં જ શીખવા મળે છે અને છેલ્લી પદવી પણ ત્યાં જ મળે છે. તેવી જ રીતે ધર્મનો પ્રારંભ પણ નમસ્કારથી થાય અને ધર્મની પૂર્ણાહુતિમાં પણ મુખ્ય વસ્તુ એ જ બની રહે છે. ધર્મની પૂર્ણાહુતિ એટલે ઘાતીકર્મનો ક્ષય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. ઘાતીકર્મનો ક્ષય અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ઉચ્ચ અધ્યવસાયપૂર્વકના ધ્યાન વિના ન થાય. ધ્યાનમાં કોઈને કોઈ ધ્યેય જોઈએ. ધ્યેય વિના ધ્યાન ન હોય અને બધાં ધ્યેયોમાં જો સૌથી ઉત્તમોત્તમ કોઈ ધ્યેય હોય તો તે અહિત પરમાત્મા છે. અરિહંતના ધ્યાનથી ઘાતીકર્મનો ક્ષય કરી શકાય તેવા ઉચ્ચ અધ્યવસાય પ્રગટે છે.
આ અરિહંત પરમાત્મા એ શ્રી નમસ્કારનું જ પ્રથમ પદ છે એટલે તે નમસ્કારની જ વસ્તુ કહેવાય. એટલે ધ્યેયરૂપે જ્યારે અરિહંત પરમાત્મા આવે છે ત્યારે શુભ-શુક્લધ્યાનમાં આગળ વધતો જીવ એક જ નમસ્કાર વડે અનંતભવ સંચિત કર્મોનો એક ક્ષણમાં નાશ કરે છે અને જીવ જીવ મટી હંમેશને માટે શિવ-સ્વરૂપ બની જાય છે. આટલું બધું સામર્થ્ય નવકારનું છે. એટલે જ ધર્મના પ્રારંભની જેમ ધર્મની પૂર્ણાહુતિમાં પણ નમસ્કાર એ મુખ્ય વસ્તુ બની રહે છે. જ્યારે વચલી બીજી બધી જ અવસ્થાઓ અવાંતર બની રહે છે. ભ્રમરીના ધ્યાનથી ઇયળ જેમ ભ્રમરી રૂપ બની જાય છે તેમ નમસ્કાર ભાવમાં આગળ વધતો અંતરાત્મા પણ પરમાત્મારૂપ બની જાય છે.
ટુંકાણમાં કહેવું હોય તો પરમેષ્ઠિઓનું સ્મરણ એ જ ભાવથી જીવન છે અને તેમનું વિસ્મરણ એ જ ભાવથી મૃત્યુ છે. એટલા માટે જ કહેવાયું છે કે વિપત્તિ એ સાચી વિપત્તિ નથી પણ પરમેષ્ઠિઓનું વિસ્મરણ એ જ મહાન વિપત્તિ છે અને બાહ્ય સંપત્તિ એ સાચી સંપત્તિ નથી પણ પરમેષ્ઠિઓનું સદા સ્મરણ એ જ સાચી સંપત્તિ છે.