________________
૩૩૦
પરિશિષ્ટ
નામ સ્વાર્થભાવ છે. અને બીજા દુ:ખી પ્રત્યે દિલસોજી ધારણ કરવી અને તેમના દુ:ખ દૂર કરવાની ભાવના સતત જાગૃત રાખવી તે નિઃસ્વાર્થભાવ છે. આ નિઃસ્વાર્થભાવથી આત્મામાં શીઘ્રપણે પ્રસન્નતા પ્રગટે છે.
પરંતુ વિશ્વના જીવો પ્રત્યે આવો નિઃસ્વાર્થભાવ પરમેષ્ઠિ ભગવંતોને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી અને તે દ્વારા પ્રાપ્ત થતી તેમની કૃપાથી આપણા આત્મામાં પ્રગટે છે. એમને ભાવપૂર્વક નમ્યા સિવાય આપણામાં રહેલી મલિનતા ટળે નહિ અને નિઃસ્વાર્થભાવ કે પ્રસન્નતાદિ ગુણો પ્રગટ થઈ શકે નહિ.
જેમ પ્રકાશનો ઉદય થાય ત્યારે અંધકાર ટકે નહિ તેમ વિશ્વવાત્સલ્યથી ભરપૂર એવા પરમેષ્ઠિ ભગવંતોનું સાચું સ્મરણ થાય ત્યારે આત્માને મલિન અને અપ્રસન્ન કરનાર ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, સ્વાર્થભાવ આદિ દોષો ટકી શકે નહિ. ગુણનો ઉદય પ્રકાશના સ્થાને છે. દોષો અંધકારના સ્થાને છે. દોષરૂપી અંધકાર ત્યાં સુધી જ ટકે કે જ્યાં સુધી ગુણરૂપી પ્રકાશનો ઉદય ન થાય. પંચપરમેષ્ઠિઓનું પ્રણિધાનપૂર્વક સ્મરણ કરવાથી આત્મા સાત્ત્વિક અને પ્રસન્ન બને છે. આવા પ્રસન્ન આત્મામાં મનની મલિનતા નામનો દોષ ટકી શકતો નથી.
મનનો બીજો દોષ ચંચળતા છે અને તેથી ક્ષણવાર પણ તે સ્થિર રહેતું નથી. તેને વારંવાર રોકવા છતાં તે જ્યાં ત્યાં પરપદાર્થોમાં અને સ્વાર્થભાવમાં દોડ્યા જ કરે છે. મનની આ ચંચળતા દૂર કરવાનો ઉપાય ‘દુન્યવી પદાર્થો અંતે સુખના કારણ નહિ પણ તેના પ્રત્યેનો વધુ પડતો મદાર દુઃખના જ કારણરૂપ બને છે.' એ ભાવનાને સતત દૃઢ બનાવવાથી સાંસારિક પદાર્થો પ્રત્યેનો મોહ અને આસક્તિ દૂર થાય છે. દુન્યવી પદાર્થો પ્રત્યેનો વધુ પડતો મોહ અને આસક્તિ એ જ મનની ચંચળતાનું પ્રબળ નિમિત્ત છે. તેથી એ આસક્તિ જેમ જેમ ઘટે છે તેમ તેમ મન સ્થિર બને છે.
મનને સ્થિર કરાવનો બીજો ઉપાય જીવનમાં નમસ્કારજાપનો અભ્યાસ વધારવો તે છે. તે અભ્યાસ ત્યાં સુધી વધારવો કે તે આત્મામાં રોમરોમમાં વ્યાપી જાય. આત્મસાત્ બની જાય. નિત્યનો અભ્યાસ મનુષ્યને ધીરે ધીરે પૂર્ણ બનાવે છે તેની સામાન્ય રીત નીચે પ્રમાણે છે :
આદર અને બહુમાનપૂર્વક પૂરા ઉત્સાહથી અને પૂરી શ્રદ્ધાથી વચ્ચે આંતરું પાડયા વિના દરરોજ અમુક સમયે શાંત ચિત્તે નમસ્કારનો જાપ ચાલુ રાખવો જોઈએ.
જો સમયની અનુકૂળતા હોય તો જાપ ચાલુ કરતાં પહેલાં આપણા આત્મામાં ભાવની જાગૃતિ કરવા માટે શ્રી નમસ્કાર મહામંત્ર મહિમાગર્ભિત થોડાક પસંદગીના શ્લોકો મધુર કંઠથી ગાવા જોઈએ. મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ આદિ શુભ ભાવનાઓથી અંતઃકરણને વાસિત કરવું જોઈએ. સમયની અનુકૂળતા હોય તો પંચસૂત્રનું પહેલું સૂત્ર પ્રણિધાનપૂર્વક ગણી જવું જોઈએ. તેમ ન બને તો અમૃતવેલ સ્વાધ્યાયનો પાઠ કરી જવો જોઈએ અથવા શ્રી વીતરાગ સ્તોત્રનું ૧૭મું શરણસ્તવ ભાવપૂર્વક ગણી જવું. ચત્તારિમંગલ આદિ ચાર શરણોનો પાઠ તથા દેવગુરુના ઉપકારની સ્મૃતિરૂપ કૃતજ્ઞતાભાવની જાગૃતિ તથા જગતના તમામ જીવોની સાથે થયેલા અપરાધની ક્ષમાપના કરી “જગતના તમામ જીવો આપણા આત્માની સમાન છે” એવી ભાવના કરવી જોઈએ. તથા આત્મરક્ષાકર વજ્રપંજરસ્તોત્રથી આત્મરક્ષા કરવી જોઈએ. પરમેષ્ઠિ નમસ્કારનો પરિચય વાંચી