________________
૨૯૮
શ્રાદ્ધવિધિ પ્રકરણ - છઠ્ઠો પ્રકાશ જાય, ગાયનું અથવા બળદનું શલ્ય નીકળે તો ગાય-બળદોનો નાશ થાય અને માણસના કેશ, કપાળ, ભસ્મ વિગેરે નીકળે તો તેથી મરણ થાય વિગેરે. ધ્યાનમાં લેવા યોગ્ય કેટલીક વાતો.
પહેલો અને ચોથો પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે. અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સર્પ એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય, હવણ જળ, ધ્વજની છાયા, વિલેપન, શિખરની છાયા અને અરિહંતની દૃષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે.
કહ્યું છે કે અરિહંતની પૂંઠ, સૂર્ય અને મહાદેવની દૃષ્ટિ, વાસુદેવનો ડાબો ભાગ એ વર્જવા. ચંડી સર્વે ઠેકાણે અશુભ છે. માટે તેને સર્વથા વર્જવી. ઘરના જમણે પાસે અરિહંતની દૃષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તો તે કલ્યાણકારી છે પણ એથી વિપરીત હોય તો બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કાંઈ દોષ નથી. શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિ દિશામાં ઘર ન કરવું. તે ઉત્તમ જાતના લોકને અશુભકારી છે પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે. રહેવાના સ્થાનકના ગુણ તથા દોષ, શુકન, સ્વપ્ર, શબ્દ વગેરે નિમિત્તોના બળથી જાણવા.
સારૂં સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથી જ ગ્રહણ કરવું પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહીં. તેમ કરવાથી ધર્માર્થકામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈટો, લાકડાં, પત્થર વગેરે વસ્તુ પણ દોષ વિનાની મજબૂત એવી હોય તે જ ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી અને મંગાવવી. તે વસ્તુ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી પણ પોતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી, કેમકે તેથી મહા આરંભ વગેરે દોષ લાગવાનો સંભવ છે. જિનમંદિરની વસ્તુઓના ઉપયોગથી થતી હાનિ અને તે અંગે દૃષ્ટાંત.
ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હોય તો લેવી નહીં કેમકે તેથી ઘણી હાનિ વગેરે થાય છે. એવી વાત સંભળાય છે કે -
કોઈ બે વણિક પાડોશી હતા. તેમાં એક પૈસાદાર હતો તે બીજાનો પગલે પગલે પરાભવ કરતો હતો. બીજો દરિદ્રી હોવાથી પહેલાનું નુકશાન કોઈ બીજી રીતે કાંઈ કરી શક્યો નહીં. ત્યારે તેણે પહેલાનું ઘર નવું બંધાતું હતું તેની ભીંતમાં કોઈ ન જાણે તેવી રીતે જિનમંદિરનો પડેલો એક ઈટનો કટકો નાંખ્યો. ઘર બંધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમંત પાડોશીએ કહ્યું કે “એટલામાં શું દોષ છે ?” એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત વગેરે થઈ શ્રીમંત પાડોશીનો સર્વ પ્રકારે નાશ થયો. કહ્યું છે કે જિનમંદિર, કૂવા, વાવ, સ્મશાન, મઠ અને રાજમંદિરનો સરસવ જેટલો પણ પત્થર ઈટ કે કાષ્ઠ તજવા.