________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ
પંચમ પ્રકાશ
૨૯૪
થયા એમ સમજી લક્ષ્મણા મનમાં ખીજવાઈ અને જે એવું માઠું ચિંતવે તેને શું પ્રાયશ્ચિત્ત ?' એમ બીજા કોઈ અપરાધીને વ્હાને પૂછી આલોયણા લીધી, પણ શરમને અંગે મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષ્મણાએ પોતાનું નામ જાહેર કર્યું નહિ.
તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે વિગય રહિતપણે છઠ્ઠ, અષ્ટમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભોજન વડે બે વર્ષ માસખમણ તપસ્યા સોળ વર્ષ અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણા સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યકક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં જરા દીનપણું પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષ્મણા સાધ્વી શુદ્ધ થઈ નહિ. છેવટે આર્ત્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભવોમાં ઘણાં આકરાં દુ:ખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થંકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે.
કહ્યું છે કે શલ્યવાળો જીવ ગમે તેટલા હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે તો પણ શલ્ય હોવાથી તેને તે તપસ્યા તદ્દન નકામી છે જેમ ઘણો કુશળ એવો પણ વૈદ્ય પોતાનો રોગ વૈદ્યને કહીને જ સાજો થાય તેમ જ્ઞાની પુરુષના પણ શલ્યનો ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી
જ થાય.
(૭) તેમજ આલોયણા કરવાથી તીર્થંકરોની આજ્ઞા આરાધિત થાય છે. (૮) નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે હે ભગવંત ! જીવ આલોયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે ? હે ગૌતમ .... ! ઋજુભાવને પામેલો જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્રીવેદને તથા નપુંસકવેદને બાંધતો નથી અને પૂર્વે બાંધ્યો હોય તો તેની નિર્જરા કરે છે.
આલોયણાના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજિતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશ માત્ર ઉદ્ધાર કરી કાઢેલો આલોયણા વિધિ પૂર્ણ થયો છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મોટા તથા નિકાચિત થયેલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આલોયણા કરી ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તો તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હોત તો દૃઢપ્રહારી વગેરેની તે જ ભવે મુક્તિ શી રીતે થાત ? માટે આલોયણા દરેક ચોમાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વર્ષકૃત્ય ગાથાના ઉત્તરાર્ધનો અર્થ કહ્યો છે.
તપાગચ્છીય શ્રીરત્નશેખરસૂરિ વિરચિત ‘શ્રાદ્ધવિધિપ્રકરણ’ની ‘શ્રાદ્ધવિધિકૌમુદી’ ટીકામાં પંચમ વર્ષમૃત્ય પ્રકાશ સંપૂર્ણ થયો.