________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૨૪૦
કહ્યું છે તે ગમનાગમન સંબંધી છે પણ આવશ્યકના ચોથા અધ્યયનરૂપ નથી. કારણ કે ગમનાગમન તથા વિહાર કરવા છતાં રાત્રિએ નિદ્રાના અંતે તથા સ્વપ્ર જોયા પછી, તેમજ નાવમાં બેસવું પડે તો તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી કરવી એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહીમાં કાઉસ્સગ્ગ અને ચઉવીસત્થો જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય ? વળી શ્રાવકે સાધુનો જોગ ન હોય તો ચૈત્ય સંબંધી પૌષધશાળામાં અથવા પોતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું.
એ રીતે આવશ્યકચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે. તેમજ સામાયિકનો કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે અથવા નિર્વ્યાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું.'' તેથી કાંઈ પણ ભંગ ન લાગે એવાં ચૂર્ણિનાં પ્રમાણભૂત વચન છે.
હવે ‘સામાનુભવમાં એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે ત્યાં જ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુયોગદ્વાર સૂત્રમાં તો ખાસ શ્રાવકને પ્રતિક્રમણ કહ્યું તે એમ કે :- સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાએ સર્વ જણ પોતાના ચિત્તમન, લેશ્યા, સામાન્ય અધ્યવસાય, તીવ્ર અધ્યવસાય તથા ઇન્દ્રિયો પણ આવશ્યકને વિષે જ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરોબર ઉપયોગ રાખી આવશ્યકની જ ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે.
તે જ સૂત્રમાં કહ્યું છે કે જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે પ્રતિક્રમણ કરવું પડે છે માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે. માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રી સુધર્માસ્વામી આદિ આચાર્યની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણ મુખ્ય માર્ગે ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપોની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળપ્રાપ્તિ થાય છે. વળી એમ કહ્યું કે પાતકોને જીવપ્રદેશમાંથી કાઢી નાખનારું, કષાયરૂપ ભાવશત્રુને જીતનારું, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને મુક્તિનું કારણ એવું પ્રતિક્રમણ દરરોજ બે વાર કરવું. પ્રતિક્રમણ ઉપર એક દૃષ્ટાંત નીચે પ્રમાણે સંભળાય છે.
પ્રતિક્રમણ કરવા માટે દૃઢ અભિગ્રહ ઉપર દૃષ્ટાંત.
દિલ્હીમાં દેવસીરાઈ પ્રતિક્રમણનો અભિગ્રહ પાળનારો એક શ્રાવક રહેતો હતો. રાજવ્યાપારમાં કાંઈક તહોમતમાં આવવાથી બાદશાહે તેને સર્વાંગે બેડીઓ જડીને બંદીખાને નાંખ્યો તે દિવસે લાંઘણ થયું હતું. તો પણ તેણે સંધ્યા વખતે પ્રતિક્રમણ કરવા રખેવાળોને સોનાનો ટાંક આપવાનું કબૂલ કરી બે ઘડી સુધી હાથ છોડાવ્યા અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે એક મહિનામાં સાઠ ટાંક પ્રતિક્રમણ માટે આપ્યા. પોતાનો નિયમ પાળવામાં તેની એવી દૃઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયો અને તેણે તેને બંદીખાનાથી છોડી મૂકી પહેરામણી આપી અને અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યતના અને દઢતા રાખવી જરૂરી છે.