________________
પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત.
૨૩૧ ધન્ય છે. કુમાર ! તું કાંઈ વરદાન માગ.” કુમારે કહ્યું “દેવ ! હું વરદાન એટલું જ માગું છું કે તમે નંદીશ્વરાદિદ્વીપોની યાત્રા કરી પૂન્ય મેળવો. જેથી તમારો દેવભવ સફળ થાય.” દેવ અદેશ્ય થયો અને કુમારને દેવમાયાથી કનકપુરીમાં મુકયો.
થોડા દિવસ બાદ કનકધ્વજ રાજાની રજા મેળવી બે સ્ત્રીઓ સહિત કુમારે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે રત્નવિશાળા નગરીમાં રાજા અને નગરજનોથી સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. પોપટે રાજા, શેઠ અને નગરવાસીઓને રત્નસારની પરાક્રમ કથા કહી આનંદિત કર્યા.
. સમય જતાં એક વખત વિદ્યાનંદ નામના આચાર્ય પધાર્યા. નગરના રાજાએ આચાર્ય ભગવંતને કુમારનો પૂર્વભવ પૂછયો. આચાર્ય ભગવંતે પૂર્વભવ કહેતાં જણાવ્યું. રત્નસારનો પૂર્વભવ.
પૂર્વે રાજપુરનગરમાં શ્રીસાર નામે રાજપુત્ર હતો. તેને શ્રેષ્ઠિપુત્ર, મંત્રીપુત્ર અને ક્ષત્રિયપુત્ર એ ત્રણ મિત્ર હતા. આ ચારમાં ક્ષત્રિયપુત્ર મિત્રોની કળાકૌશલ્ય દેખી તેમના જ્ઞાનની પ્રશંસા કરતો હતો અને પોતાની જડતાની નિંદા કરતો હતો. એક વખત કોઈ ચોરે રાણીને ત્યાં ચોરી કરી. સુભટોએ તેને પકડ્યો. રાજાએ તેને મારી નાંખવા હુકમ આપ્યો. કુમારે ચોરને શૂલિએ ચડાવનારાઓને કહ્યું, “મારી માતાના દ્રવ્ય ચોરનાર ચોરને હું જ મારીશ.” તેમ કહી તેણે ચોરનો કબજો લીધો અને એકાંત જંગલમાં તેને લઈ જઈ હિતશિક્ષા આપી છોડી મુક્યો. આ છૂપી વાત પણ જતે દિવસે પ્રગટ થઈ અને તે વાત રાજાને કાને પહોંચી રાજાએ શ્રીસારનો તિરસ્કાર કર્યો. શ્રીસારને આથી માઠું લાગ્યું અને તે નગરમાંથી નીકળી ગયો. ત્રણ મિત્રો પણ તેની સાથે નગર બહાર નીકળ્યા. પણ આગળ જતાં માર્ગમાં ભૂલા પડ્યા. અને ભૂખ તરસથી પીડાઈ કોઈક ગામ નજીક આવી ભોજનની તૈયારી કરે છે તેવામાં કોઈ જિનકલ્પી મુનિરાજ પધાર્યા. શ્રીસારે ચઢતે પરિણામે મુનિને ભિક્ષા આપી શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્ર કુમારના દાનની અનુમોદના આપી પણ “સર્વ આપો, આવો યોગ ફરી ફરી થોડો મળવાનો છે.' એમ કહી કપટ યુક્ત ભાવે અધિક શ્રદ્ધા દેખાડવા પ્રયત્ન કર્યો. મૂઢ ક્ષત્રિયપુત્ર બોલ્યો, ‘કુમાર ! અમને ઘણી ભૂખ લાગી છે માટે અમારે માટે કાંઈક થોડું રાખો.' આ પ્રસંગથી ક્ષત્રિયકુમારે દાનાંતરાયંકર્મ ઉપાર્જન કર્યું અને તેથી તે મૃત્યુ પામી શુક થયો. શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્ર મૃત્યુ પામી કપટયુક્ત વચનને લઈ રત્નસારની બે સ્ત્રીઓ થઈ શ્રીસારકુમાર રત્નસાર થયો. શ્રીસારે છોડાવેલો ચોર તાપસવ્રત પાળી ચંદ્રચૂડદેવ થયો.
રાજા આદિ લોકો મુનિરાજનું વચન સાંભળી સુપાત્ર દાનમાં આદરવાળા થયા. રત્નસારકુમારે રથયાત્રા, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, જિનમંદિર, ચતુર્વિધ સંઘવાત્સલ્ય, દીનજન ઉદ્ધાર વિગેરે સારાં કૃત્યો લાંબા વખત સુધી કર્યા કુમારના પરિચયથી તેની બે સ્ત્રીઓ પણ ધર્મનિષ્ઠ થઈ. અંતે રત્નસારકુમાર બે સ્ત્રીઓ સહિત ધર્મધ્યાન કરી મૃત્યુ પામી અમ્રુતદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી રત્નસારનો જીવ ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્તિસુખને પામશે. આ રીતે પાત્રદાન અને પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રત્નસારની કથા સાંભળી હે ભવ્યજીવો ! તમારે પરિગ્રહ પરિમાણ અને પાત્રદાન ઉપર આદર કરવો જોઈએ.