________________
માતા-પિતાદિના ઉપકારનો બદલો.
૧૯૯ - પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જો કદાચ પિતા કોઈ કામ કરવાની ના કહે તો તે ન કરે. કોઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તો પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન કરે.
જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચેલ્લણા માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્ર પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સગુરુની સેવા કરવી, ધર્મ સાંભળવો, વ્રત પચ્ચખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકોનો ઉદ્ધાર કરવો, વગેરે જે ઇચ્છા થાય તે ધર્મ મનોરથ કહેવાય છે.
પિતાના ધર્મ મનોરથ ઘણા જ આદરથી પૂર્ણ કરવા; કેમકે, આ લોકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કોઈ પણ રીતે જેમના ઉપકારનો માથે રહેલો ભાર ઊતારી શકાય નહીં એવા માબાપ વગેરે ગુરુજનોને કેવલિભાષિત સદ્ધર્મને વિષે જોયા વિના બીજો ઉપકારનો ભાર હલકો કરવાનો ઉપાય જ નથી.
શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે.
તે આ રીતે - ૧ મા-બાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના. માતા-પિતાદિના ઉપકારનો બદલો.
કોઈ પુરુષ જાવજીવ સુધી પ્રભાત કાળમાં પોતાનાં માબાપને શતપાક તથા સહસ્ત્રપાક તેલવડે અત્યંગન કરે, સુગંધી પીઠી ચોળે, ગંધોદક, ઉષ્ણોદક અને શીતોદક એ ત્રણ જાતના પાણીથી હવરાવે, સર્વે વસ્ત્ર પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરાબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે અને જાવજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે તો પણ તેનાથી પોતાના મા-બાપના ઉપકારનો બદલો વાળી ન શકાય.
પરંતુ જો તે પુરુષ પોતાના મા-બાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તરભેદની પ્રરૂપણા કરી તે ધર્મને વિશે સ્થાપન કરનારો થાય તો જ પુરુષથી પોતાનાં માબાપનાં ઉપકારનો બદલોવાળી શકાય. સ્વામીના ઉપકારનો બદલો.
કોઈ મહાન ધનવાન પુરુષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે અને તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની જેમ તે પછી ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહનો ભોગવનારો એવો રહે. પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરુષ કોઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતો તે માણસ પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણીને જો સર્વસ્વ આપે તો પણ તેનાથી તે ધણીના ઉપકારનો બદલો વાળી શકાય નહીં. પરંતુ જો તે માણસ પોતાના ધણીને કેવલિભાષિત ધર્મ કહી સમજાવી અને અંતર્ભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારો થાય તો જ તેનાથી ધણીના ઉપકારનો બદલો વાળી શકાય.