________________
૧૯૬
'શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ જો પુરુષમાં ખરેખરા ઘણા ગુણ હોય તો તે ગુણો વગર કહ્યું પોતાનો ઉત્કર્ષ કરશે જ અને જો તે (ગુણો) ન હોય તો ફોગટ પોતાનાં પોતે કરેલાં વખાણથી શું થાય? પોતાની જાતે પોતાનાં બહુ વખાણ કરનારા સારા માણસને તેના મિત્રો હસે છે, બાંધવજનો નિંદા કરે છે, મોટા લોકો તેને કોરે મૂકે છે અને તેનાં મા-બાપ પણ તેને બહુ માનતા નથી. બીજાનો પરાભવ અથવા નિંદા કરવાથી તથા પોતાની મોટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચગોત્રકર્મ બંધાય છે. તે કર્મ કરોડો ભવ થયે પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહાપાપ છે. કારણ કે નિંદા કરવાથી પારકાં પાપો વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે, એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે :પરનિંદા કરનાર વૃદ્ધ ડોશીનું દૃષ્ટાંત.
સુગ્રામ નામના ગામમાં સુંદર નામનો એક શ્રેષ્ઠી હતો તે ધર્મી અને મુસાફર વગેરે લોકોને ભોજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપી તેમના ઉપર ઉપકાર કરતો હતો. તેની પાડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણી રહેતી હતી. તે શેઠની હંમેશાં નિંદા કર્યા કરે અને કહે કે, “મુસાફર લોકો પરદેશમાં મરણ પામે છે તેમની થાપણ વગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠી પોતાની સચ્ચાઈ 'બતાવે છે વગેરે.” - એક વખતે ભૂખ તરસથી પીડાએલો એક કાર્પટિક આવ્યો તેના ઘરમાં કંઈ ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને પાઈ અને તેથી તે મરી ગયો. કારણ કે ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમળીએ મોઢામાં પકડેલા સર્પના મુખમાંથી ઝેર પડ્યું હતું. કાર્પટિક મરણ પામ્યો તેથી ઘણી ખુશી થયેલી બ્રાહ્મણીએ કહ્યું કે “જુઓ, આ કેવું ધર્મિપણું.” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર (શ્રેષ્ઠી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમળીના મોઢામાં સપડાયેલો હોવાથી પરવશ છે, સમળીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કોને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણીને વળગી, તેથી તે કાળી કૂબડી અને કોઢ રોગવાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લોકપ્રસિદ્ધ દૃષ્ટાંત છે. સાચા દોષો પણ ન બોલવા અંગે ત્રણ પુતળીનું દષ્ટાંત. - હવે કોઈ રાજાની આગળ કોઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે :- એકના કાનમાં દોરો નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિંમત ફુટી કોડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખેલો દોરો તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો, તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિંમત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલો દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત પંડિતો કરી શક્યા નહીં. એ સાચા દોષો પણ ન કહેવા ઉપર દૃષ્ટાંત છે.