________________
દુર્જનો સાથે કેવી રીતે વર્તવું !
૧૭૯ આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે, કે જે અવસ્થામાં માણસનો સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઊભા રહી ન શકે. હે લક્ષ્મણ ! આપણા કરતાં મોટા-સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી, કેમકે તેને ઘેર આપણે જઈએ તો આપણો કાંઈ પણ આદરસત્કાર થાય નહીં અને તે જો આપણે ઘેર આવે તો આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે. એવી રીતે આ વાત યુક્તિવાળી છે ખરી તો પણ કોઈ પ્રકારે જો મોટાની સાથે પ્રીતિ થાય તો તેથી બીજાથી ન સધાય એવાં આપણાં કાર્યો બની શકે છે તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે ભાષામાં પણ કહેલું છે કે પોતે જ સમર્થ થઈને રહેવું, અગર કોઈ મોટો પોતાને હાથ કરી રાખવો. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવાનો આ ઉત્તમ ઉપાય છે.
મોટા પુરુષે હલકા માણસની સાથે પણ મૈત્રી કરવી, કારણ કે મોટા પુરુષને કોઈ વખતે હલકા માણસ પણ સહાય કરી શકે છે. પંચાખ્યાનમાં કહ્યું છે કે બળવાન અને દુર્બળ એવા બન્ને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટોળાને ઉંદરડે છોડાવ્યું. શુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વ મોટા લોકો એકત્ર થાય તો પણ તેનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે પણ તે ખગ્ર આદિ શસ્ત્રોથી થાય નહીં. તૃણનું કાર્ય તૃણ જ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહીં. તેમજ કહ્યું છે કે તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સોય, ઔષધીચૂર્ણ અને કૂંચી વગેરે વસ્તુઓ પોતાનું કાર્ય પોતે જ કરી શકે પણ બીજી વસ્તુથી થાય નહીં. દુર્જનો સાથે કેવી રીતે વર્તવું!
દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાક્ષિણ્યતા રાખવી. કહ્યું છે કે, મિત્રને શુદ્ધ મનથી, બાંધવોને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકોને દાનથી અને બીજા લોકોને દાક્ષિણ્યતાથી વશ કરવા.
કોઈ વખતે પોતાની કાર્યસિદ્ધિને માટે ખેલ પુરુષોને પણ અગ્રેસર કરવા. કેમ કે કોઈ સ્થળે ખલ પુરુષોને પણ અગ્રેસર કરીને, ડાહ્યા પુરુષે સ્વકાર્ય સાધવું. રસને ચાખનારી જિલ્લા કલહ, ફલેશ કરવામાં નિપુણ એવા દાંતોને અગ્રેસર કરી પોતાનું કાર્ય સાધે છે. કાંટાનો સંબંધ કર્યા વિના પ્રાયઃ નિર્વાહ થતો નથી. જુઓ, ક્ષેત્ર, ગ્રામ, ગૃહ, બગીચા આદિ વસ્તુની રક્ષા કાંટાવડે જ થાય. પ્રીતિ હોય ત્યાં લેણ-દેણ ન કરવી.
જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્યસંબંધ આદિ રાખવા જ નહીં. જ્યાં મૈત્રી કરવાની ઇચ્છા ન હોય ત્યાં દ્રવ્યસંબંધ કરવો અને પોતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી જ્યાં ત્યાં ઊભા ન રહેવું. સોમનીતિને વિષે પણ કહ્યું છે કે જ્યાં દ્રવ્યસંબંધ અને સહવાસ એ બે હોય ત્યાં કલહ થયા વિના રહે નહીં. પોતાના મિત્રને ઘેર પણ કોઈ સાક્ષી વિના થાપણ મૂકવી નહીં. તેમજ પોતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં. કારણ કે અવિશ્વાસ ધનનું મૂળ છે અને વિશ્વાસ અનર્થનું મૂળ છે.