________________
૧૭૪
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
કર્મચાંડાળ.
વિવેકી પુરુષે સર્વ પાપકર્મ તજવાં. તેમાં પણ પોતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરુ, વૃદ્ધ તથા બાળક એટલાની સાથે વૈર કરવું અથવા તેમની થાપણ ઓળવવી. એ તેમની હત્યા કરવા સમાન છે માટે એ તથા બીજાં મહાપાતકો વિવેકી પુરુષે અવશ્ય વર્જવાં. કહ્યું છે કે ખોટી સાક્ષી પૂરનાર, ઘણા કાળ સુધી રોષ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતઘ્ન એ ચાર કર્મચાંડાળ કહેવાય છે અને પાંચમો જાતિચાંડાળ જાણવો. અહીં વિસેમીરાનો સંબંધ કહીએ છીએ. વિશ્વાસઘાત ઉપર વિસેમીરાનું દૃષ્ટાંત.
વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રુત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણી ઉપર ઘણો મોહિત હોવાથી તે રાજ્યસભામાં પણ રાણીને પાસે બેસાડતો હતો. જે રાજાના વૈદ્ય, ગુરુ અને દિવાન પ્રસન્નતા રાખવાને કેવળ મધુર વચન બોલનારા જ હોય, રાજાનો કોપ થાય એવા ભયથી સત્ય વાત પણ કહે નહીં, તે રાજાના શરીરનો, ધર્મનો અને ભંડારનો વખત જતાં નાશ થાય, એવું નીતિશાસ્ત્રનું વચન હોવાથી રાજાને સત્ય વાત કહેવી એ આપણું કર્તવ્ય છે.
એમ વિચારી દિવાને રાજાને કહ્યું કે “મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. કેમ કે રાજા, અગ્નિ, ગુરુ અને સ્ત્રીઓ એ ચાર વસ્તુ બહુ પાસે હોય તો વિનાશ કરે છે અને બહુ દૂર હોય તો તે પોતાનું ફળ બરાબર આપી શકતી નથી. માટે ઉપર કહેલી ચારે વસ્તુ બહુ પાસે અથવા બહુ દૂર ન રાખતાં સેવવી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે રાખો.
નંદરાજાએ દિવાનની વાત સ્વીકારી. એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરુને દેખાડી. શારદાનંદને પોતાની વિદ્વત્તા બતાવવા કહ્યું કે “રાણીના ડાબા સાથળ ઉપર તલ છે તે આ ચિત્રમાં બતાવ્યો નથી.’’ ગુરુના આ વચનથી રાજાના મનમાં રાણીના શીલને વિષે શક આવ્યો, તેથી તેણે શારદાનંદનને મારી નાંખવા દિવાનને હુકમ આપ્યો.
લાંબી નજરવાળા દિવાને વિચાર કર્યો કે “કોઈ સહસા કાર્ય ન કરવું” વિચાર કર્યા વગર કરવું એ મોટા સંકટોનું સ્થાનક છે. સદ્ગુણોથી લલચાયેલી સંપદાઓ પ્રથમ પૂર્ણ વિચાર કરીને પછી કાર્ય કરનારને પોતે આવીને વરે છે. પંડિત પુરુષોએ શુભ અથવા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના પરિણામનો યત્નથી નિર્ણય કરવો. કારણ કે અતિશય ઉતાવળથી કરેલા કામનું પરિણામ શલ્યની જેમ મરણ સુધી હૃદયમાં વેદના ઉત્પન્ન કરે છે.
એવાં નીતિશાસ્ત્રનાં વચન તેને યાદ આવ્યાં. તેથી તેણે પોતાના ઘરમાં શારદાનંદનને છૂપાવી રાખ્યો એક વખતે વિજયપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે બહુ દૂર ગયો. સંધ્યાસમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢયો. ત્યાં વ્યંતરાધિષ્ઠિત વાનર હતો તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સૂઈ રહ્યો અને પછી રાજપુત્રના ખોળામાં વાનર સૂતો હતો.