________________
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
૧૬૦
ક્યા રાજ કાર્ય છોડવાં.
સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ મૂકી ન શકે તો પણ ગુપ્તિપાળ, કોટવાલ, સીમાપાળ વગેરેના અધિકાર તો ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે તલાર, કોટવાળ, સીમાપાળ, પટેલ આદિ અધિકારી કોઈ માણસને સુખ દેતા નથી. બાકીના અધિકાર કદાચિત્ કોઈ શ્રાવક સ્વીકારે તો તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની જેમ શ્રાવકોના સુકૃતની કીર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવા. કેમકે જે માણસોએ પાપમય એવા રાજકાર્યો કરવા છતાં તેની સાથે ધર્મનાં કૃત્યો કરીને પુણ્ય ઉપાજર્યું નહિ તે માણસોને દ્રવ્ય માટે ધૂળ ધોનારા લોકો કરતાં પણ હું મૂઢ જાણું છું.
પોતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તો પણ તે શાશ્વતપણું ધારી રાજાના કોઈ પણ માણસને કોપાવવો નહીં, તથા રાજા આપણને કાંઈ કાર્ય કરવા સોંપે તો રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો. સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. તે બનતાં સુધી શ્રાવકે રાજાની જ કરવી એ ઉચિત છે. કહ્યું છે કે જ્ઞાાન, દર્શન અને ચારિત્રથી યુક્ત એવો હું કોઈ શ્રાવકને ઘેર ભલે દાસ થાઉં, પણ મિથ્યાત્વથી મોહિત મતિવાળો રાજા કે ચક્રવર્તી ન થાઉં, હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તો સમક્તિના પચ્ચક્ખાણમાં “વિત્તીòતારેભું” એવો આગાર રાખ્યો છે તેથી કોઈ શ્રાવક જો મિથ્યાર્દષ્ટિની સેવા કરે, તો પણ તેણે પોતાની શક્તિ અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વધર્મની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે થોડો પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાનો યોગ મળે તો મિથ્યાર્દષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કહ્યો છે.
ભિક્ષા.
સોનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર, ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગપરિત્યાગ કરનારા મુનિરાજના ધર્મકાર્યના રક્ષણ માટે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કેમકે હે ભગવતી ભિક્ષે ! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તું નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકી સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે.
કેમકે માણસ જ્યાં સુધી મોઢેથી “આપો” એમ બોલે નહીં, એટલે માંગણી કરે નહીં, ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લજ્જા, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે, રૂ તૃણ કરતાં હલકું છે, અને યાચક તો રૂ કરતાં પણ હલકો છે ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતો નથી ? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એવો ભય રહે છે કે હું એને (યાચકને) લઈ જઉં તો મારી પાસે એ કાંઈ માંગશે.
રોગી, ઘણા કાળ સુધી પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસોનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે