________________
૧૫૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ
દ્રવ્ય ઉપાર્જન વિધિ. - જિનપૂજા કરી ભોજન કર્યા પછી જો રાજા વગેરે હોય તો કચેરીમાં, દીવાન વગેરે મોટો હોદ્દેદાર હોય તો રાજસભામાં, વ્યાપારી વગેરે હોય તો બજાર કે, દુકાને અથવા પોતપોતાના યોગ્ય સ્થાનકે આવી ધર્મમાં વિરોધ ન પડે એવી રીતે દ્રવ્ય ઉપાર્જનનો વિચાર કરે. રાજાઓએ આ દરિદ્રી છે કે, ધનવાન છે, આ માન્ય છે કે, અમાન્ય છે, તથા ઉત્તમ, મધ્યમ, અધમ જાતિકુળ સ્વભાવનો વિચાર કરીને (સર્વની સાથે એક સરખો) ન્યાય કરવો. ન્યાય ઉપર દૃષ્ટાંત.
કલ્યાણકટકપુર નગરને વિષે યશોવમાં રાજા રાજય કરતો હતો. તે ન્યાયમાં ખરો ન્યાય આપનાર છે એવી ખ્યાતિવાળો હોવાથી તેણે પોતાના ન્યાય કરવાના મહેલની આગળ એક ન્યાયઘંટ બાંધ્યો હતો. એક વખતે તેની રાજ્યઅધિષ્ઠાયિકા દેવીને એવો વિચાર ઉત્પન્ન થયો કે, “આ રાજાએ જે ન્યાયઘંટ બાંધ્યો છે તે ખરો છે કે ખોટો છે તેની પરીક્ષા કરવી જોઈએ.” એમ ધારીને પોતે જ ગાયનું રૂપ ધારણ કરી તત્કાળ ઉત્પન્ન થયેલા વત્સની સાથે ક્રીડા કરતી રાજમાર્ગ વચ્ચે ઉભી રહી.
એવા અવસરમાં તે જ રાજાનો પુત્ર દોડતા ઘોડાવાળી ગાડીમાં બેસી અતિશય ઉતાવળ કરતો તે જ માર્ગે આવ્યો. ઘણા જ વેગથી ચાલતી ઘોડાગાડીનું ચક્ર ફરી જવાથી તે વાછડો તત્કાળ ત્યાં જ મરણ પામ્યો; જેથી ગાય પોકાર કરવા લાગી અને જાણે રોતી હોય એમ આમતેમ જોવા લાગી. તેને અવાજ કરતાં કોઈક પુરુષે કહ્યું કે રાજદરબારમાં જઈ તારો ન્યાય કરાવ. ત્યારે તે ગાય ચાલતી ચાલતી દરબાર આગળ જ્યાં ન્યાયઘંટા બાંધેલી છે ત્યાં આવી અને પોતાના શીંગડાના અગ્રભાગથી તે ઘંટાને હલાવીને વગાડી.
આ વખતે રાજા ભોજન કરવા બેસતો હતો છતાં તે ઘંટાનો શબ્દ સાંભળી બોલ્યા કે, અરે ! કોણ ઘંટા વગાડે છે? નોકરોએ તપાસ કરી કહ્યું કે, સ્વામી ! કોઈ નથી. તમો સુખેથી ભોજન કરો. રાજા બોલ્યો આ વાતનો નિર્ણય થયા વિના કેમ ભોજન કરાય? એમ કહી ભોજન કરવાનો થાળ એમ જ પડતો મૂકી પોતે ઉઠીને દરવાજા આગળ જુવે છે, તો ત્યાં બીજા કોઈને ન દેખતાં ગાયને દેખી તેને કહેવા લાગ્યો કે, શું તને કોઈએ પીડા આપી છે ? તેણીએ માથું ધુણાવીને હા કહી. જેથી રાજા બોલ્યો કે, ચાલ મને દેખાડ કોણ છે ? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. જે જગાએ વાછરડાનું કલેવર પડેલું હતું ત્યાં આવીને તે ગાયે બતાવ્યું.
ત્યારે તેના પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નોકરોને હુકમ કર્યો કે જેણે આ વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવો. આ હકીકત કેટલાક લોકો જાણતા હતા પરંતુ તે (વાછરડા ઉપર ગાડીનું ચક્કર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કોણ લાવી આપે ? એવું સમજી કોઈ બોલ્યું નહીં; તેથી રાજા બોલ્યો કે, જયારે આ વાતનો નિર્ણય અને