________________
ગુરુવંદનના પ્રકાર અને વિધિ.
૧૩૯ સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય વગેરે અનેક ગુણ છે. તે નાસ્તિક એવો પ્રદેશ રાજા, આમરાજા, કુમારપાળ, થાવચ્ચપુત્ર વગેરેના દૃષ્ટાંત ઉપરથી જાણવા. કહ્યું છે કે -
જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તો બુદ્ધિનો મોહ જતો રહે, કુપંથનો ઉચ્છેદ થાય, મોક્ષની ઇચ્છા વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે અને અતિશય હર્ષ થાય. એવી કઈ વસ્તુ છે કે જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે ? પોતાનું શરીર ક્ષણભંગુર છે. બાંધવ બંધન સમાન છે. લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે, માટે જૈન સિદ્ધાંત સાંભળવો. તેથી સંવેગ ઉત્પન્ન થાય છે અને તે સિદ્ધાંત માણસ ઉપર કોઈ ઉપકાર કરવામાં ખામી રાખતો નથી. એ ઉપર પ્રદેશી રાજાનું દૃષ્ટાંત છે. પ્રદેશી રાજાનું સંક્ષિપ્ત દૃષ્ટાંત.
શ્વેતામ્બીનગરીમાં પ્રદેશી નામે રાજા અને ચિત્રસારથી નામે તેનો મંત્રી હતો. ચિત્રસારથી મંત્રીએ ચાર જ્ઞાનના ધારક શ્રીકેશી ગણધર પાસે શ્રાવસ્તિનગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથી મંત્રીના આગ્રહથી કેશીગણધર શ્વેતામ્બીનગરીએ પધાર્યા. ચિત્રસારથી મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને કેશી ગણધર પાસે લઈ ગયો. ત્યારે મુનિરાજને કહ્યું કે - “હે મુનિરાજ ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે ધર્મ વિગેરે જગતમાં સર્વથા છે
નહિ. મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતો. મરણ સમયે મેં એમને કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજો” પણ મરણ પામ્યા પછી માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહીં.
વળી ચોરના મેં નખ જેવડા કટકા કર્યા તો પણ ક્યાંય પણ મને જીવ દેખાયો નહી. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તોલતાં ભારમાં કાંઈપણ ફેર જણાયો નહીં. વળી મેં છિદ્ર વિનાની કોઠી અંદર એક માણસને પૂર્યો અને તે કોઠી ઉપર સજ્જડ ઢાંકણું ઢાંક્યું. અંદર તે માણસ મરી ગયો. તેના શરીરમાં પડેલા અસંખ્ય કીડા મેં જોયા. પણ તે માણસનો જીવ બહાર જવાને તથા તે કીડાના જીવોને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણ માર્ગ મારા જોવામાં આવ્યો નહીં. એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થયો છું.”
શ્રીકેશી ગણધરે કહ્યું “ તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહી. તથા તારા પિતા પણ નરકની ઘોર વેદનાથી આકુળ હોવાથી અહીં આવી શક્યા નહીં. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ તો પણ તેમાં અગ્નિ દેખાય એમ નથી તેમજ શરીરના ગમે તેટલા ઝીણા ફટકા કરો તો પણ જીવ ક્યાં છે તે દેખાય નહીં. લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તોળો તથાપિ તોલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહીં. તેમજ શરીરની અંદર જીવ હોય ત્યારે અથવા તે નીકળી ગયા પછી શરીર તોળશો, તો તોલમાં કાંઈ ફેર જણાશે નહીં. કોઠીની અંદર પૂરેલો માણસ અંદર શંખ આદિ વગાડે તો શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ ક્ય માર્ગે બહાર આવ્યો ? તે જણાય નહીં. તેમજ કોઠીની અંદર પરેલા માણસનો જીવ શી રીતે બહાર ગયો ? અને કોઠીની અંદર થયેલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહીં.”