________________
૧૦૨
શ્રાદ્ધવિધિ પ્રકરણ ' પ્રથમ પ્રકાશ સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે જ જિનેશ્વર ભગવંતના ગુણ જાણે તથા વખાણે, ચૈત્યવંદન, દેવવંદન વિગેરે સર્વ સૂત્રમાં કહેલી રીત મુજબ કરે તેને વચનાનુષ્ઠાન કહેવાય. આ વચનાનુષ્ઠાન ચારિત્રવંતને નિયમથી હોય છે પણ પાર્થસ્થાદિને નહીં.
ફળની આશા ન રાખનારો ભવ્યજીવ શ્રુતના આલંબન વગર કેવલ પૂર્વના અભ્યાસના રસથી જ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરુષોએ અસંગ અનુષ્ઠાન જાણવું તે જિનકલ્પી વગેરેને હોય છે.
જેમ કુંભારના ચક્રનું ભ્રમણ પ્રથમ દંડથી થાય છે તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ પ્રયોગથી ચક્ર ભમ્યા કરે તેમ અભ્યાસના રસથી આગમની અપેક્ષા વગર અસંગઅનુષ્ઠાન થાય છે એમ આ બે (વચન અને અસંગ) અનુષ્ઠાન આ દૃષ્ટાંતથી ભિન્ન ભિન્ન સમજી લેવાં. - બાળકની જેમ પ્રથમથી પ્રતિભાવ આવવાથી પ્રથમ પ્રીતિઅનુષ્ઠાન થાય છે, પછી ભક્તિઅનુષ્ઠાન, પછી વચનાનુષ્ઠાન, ત્યારપછી અસંગાનુષ્ઠાન થાય. એમ એક એકથી અધિક ગુણની પ્રાપ્તિ થવાથી અનુષ્ઠાન પણ થાય છે. એટલા માટે ચાર પ્રકારનું અનુષ્ઠાન પણ પ્રથમ રૂપિયાના સરખું સમજવું. વિધિ અને બહુમાન એ બંનેના સંયોગથી અનુષ્ઠાન પણ સમજવાં, જે માટે મુનિ મહારાજે એ અનુષ્ઠાન પરમ પદ પામવા કારણ પણે બતાવેલ છે.
બીજા ભાંગાના રૂપિયા સમાન (સાચું રૂપું પણ ખોટી મોહોર) અનુષ્ઠાન પણ સત્ય છે તેટલા માટે પૂર્વાચાર્યોએ તેને એકાંતે દુષ્ટ ગણાવ્યું નથી. જ્ઞાનવંત પુરુષોની ક્રિયા જો કે અતિચારથી મલિન હોય તો પણ શુદ્ધતાનું કારણ છે જેમકે રત્ન ઉપર મેલ લાગેલો હોય પણ જો અંદરથી શુદ્ધ છે તો બહારનો મેલ સુખે દૂર કરી શકાય છે.
ત્રીજા ભાંગા સરખી ક્રિયા (મોહોર છાપ સાચી પણ રૂપું ખોટું) માયામૃષાદિ દોષથી બનેલી છે. જેમકે ભોળા લોકોને ઠગવા માટે કોઈ ધૂર્તે શાહુકારનો વેશ લઈ વંચના જાળ માંડી હોય, તેની ક્રિયા બહારથી દેખાવમાં ઘણી જ આશ્ચર્યકારક હોય પણ મનમાં અધ્યવસાય અશુદ્ધ હોય તેથી ઈહલોકમાં માન, યશ, કીર્તિ, ધન વિગેરેના તેને (ધૂર્તને) લાભ થાય પણ તે પરલોકમાં દુર્ગતિને જ પામે છે માટે એ ક્રિયા બહારના દેખાવરૂપ જ હોવાથી ગ્રહણ કરવી યોગ્ય જ નથી ચોથા ભાંગા જેવી ક્રિયા (બંને ખોટા) પ્રાયે અજ્ઞાનપણાથી, અશ્રદ્ધાનપણાથી, કર્મના ભારેપણાથી, ભવાભિનંદી જીવોને હોય છે. શુદ્ધ અને અશુદ્ધ એ બંનેથી રહિત એવી ક્રિયા ખરેખર આરાધનાવિરાધના એ બન્નેથી શૂન્ય છે પણ ધર્મના અભ્યાસ કરવાના ગુણથી કોઈક વખત શુભ નિમિત્તપણે થાય છે. જેમ કોઈ શ્રાવકનો પુત્ર ઘણીવાર જિનબિંબના દર્શન કરવાના ગુણથી જો કે તે ભવમાં કોઈ સુકન્ય કર્યા નહોતાં તો પણ મરણ પામીને મત્સ્યના ભવમાં સમકિત પામ્યો.
ઉપર બતાવેલી રીત પ્રમાણે એકાગ્ર ચિત્તથી બહુમાનપૂર્વક જો દેવપૂજા થાય તો યથોકત ફળની પ્રાપ્તિ થાય છે માટે ઉપર જણાવેલા કારણમાં જરૂર ઉદ્યમ કરવો. આ નિયમ ઉપર ધર્મદત્ત નૃપની કથા છે.