________________
સરસ્વતી ઉત્પત્તિ માહાસ્ય બૃહસ્પતિની પત્ની તારા માટે થયેલા દેવાસુર સંગ્રામમાંથી પાછા ફરેલા ઇન્દ્ર આદિ દેવો આકાશ માર્ગે પોત પોતાના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે પૃથ્વી ઉપર નજર પડતાં સ્વર્ગથી પણ સુંદર એવો એક મનોહર આશ્રમ નજરે પડ્યો. વિવિધ પ્રકારના ફળ-ફુલોથી લદાયેલાં વૃક્ષો, વૃક્ષો પર વિંટળાયેલા સુંદર વેલાઓ, સુગંધ અને સુંદરતાથી મઘમઘી રહેલાં પુષ્પોવાળા નાના મોટા છોડ તેમજ પુષ્પો પર ગુંજારવ કરતા મનોમોહક પતંગીયા તેમજ ભમરાઓથી આ આશ્રમ શોભી રહ્યો હતો. આ વનસૃષ્ટિનો શણગાર સજી સ્વયં લક્ષ્મીજી પણ જાણે અહીં ઉપસ્થિત હોય તેમ વિવિધ ફળફુલોથી આશ્રમ દીપી રહ્યો હતો. સ્વર્ગ સમાન સુંદરતાવાળા આ આશ્રમને જોવા ઇન્દ્રાદિ દેવોનું મન લલચાયું અને તેઓ ધરતી પર ઉતરી પડ્યા.
પ્રાતઃ કાળનો આ સમય હતો. સુર્યના સોનેરી કિરણો પણ આશ્રમને શોભાવવા પ્રકાશ પાડી રહ્યા હતા. ભસ્મલેપનથી દેદિપ્યમાન મુનિકુમારોના મુખેથી નીકળતા વેદમંત્રોના સંગીતમય સ્વરો આશ્રમની પવિત્રતાનો પ્રભાવ ફેલાવી રહ્યા હતા. જ્યાં જોવામાં આવે ત્યાં સ્વચ્છતા, હરિયાળી સભર સુંદરતા તેમજ વેદગાનની પવિત્રતાના જ દર્શન થતાં.
પ્રભાવિત થયેલા ઇન્દ્ર દેવગણ સહિત આશ્રમમાં પ્રવેશ કર્યો. મુનિકુમારોએ આ આગંતુક અતિથિયોને જોતાં જ તેમના આગમનના સમાચાર આશ્રમમાં આપ્યા.
આ આશ્રમ દધિચિ મુનિનો હતો. સમાચાર મળતાં જ દધિચિ આશ્રમના દ્વારે ઉપસ્થિત થયા. ઇન્દ્ર વગેરે દેવોને જોઈ હર્ષઘેલા બનેલા દધિચિ સૌને સન્માન સહિત આશ્રમમાં તેડી લાવ્યા. જળ-પુષ્પ અને ચંદનના અર્થથી સૌનું વિધિવત સન્માન કર્યું.
દધિચિનો સૌમ્ય સ્વભાવ જોઈ દવો પ્રસન્નતાથી પુલકિત બન્યા. દધિચિની સૌજન્યતાથી પ્રભાવિત ઇન્દ્ર સર્વ શસ્ત્રો આશ્રમમમાં થાપણ તરીકે સાચવવા મૂકી આગળ નીકળવાનો મનોમન સંકલ્પ વ્યક્ત કર્યો. દધિચિએ ઇન્દ્રના આ મનોભાવને સહર્ષ સ્વીકારી સંમતિનો સૂર દર્શાવ્યો. શસ્ત્રો આશ્રમમાં સુરક્ષિત સચવાશે એવા આત્મવિશ્વાસ સાથે દેવોએ વિદાય લીધી.
આ પ્રસંગને ખૂબ સમય વિત્યા બાદ દધિચિએ તીર્થાટને જવા સંકલ્પ કર્યો પરંતુ શસ્ત્રોને અસુરક્ષિત છોડી જવા તેમનું મન માનતું ન હતું. આખરે પુખ્ત વિચારને અંતે તેમણે એક નિર્ણય લીધો. શસ્ત્રોમાં જે શક્તિ છે, વીર્ય છે, તેનું મંત્રબળથી પાણી કરી દધિચિ પી ગયા. આ રીતે આ નિર્વીય શસ્ત્રોને આશ્રમમાં છોડી દધિચિ યાત્રાએ નીકળી પડ્યા.
અનેક દુર્ગમ પહાડો, વનો અને સ્થળોનું પ્રાકૃતિક સૌન્દર્ય જોતાં જોતાં ધરતીને ખૂંદતા દધિચિ હિમાલયમાં જઈ પહોંચ્યા અહીં ચન્દ્રભાગા નદીના કિનારે આશ્રમ બનાવી ત્યાં રોકાયા. હિમાલયની પ્રાકૃતિક શોભાના દર્શનથી દધિચિ આનંદવિભોર થઈ ગયા.