________________
પારસમણિની ક્ષમતા જેમ કાળ અબાધિત છે. તેમ આ જીવનમુલ્યો પણ સનાતન સંસ્કૃતિના પરિપાકરૂપે વિચારાયેલ કાળ અબાધિત તત્ત્વજ્ઞાનનાં મોતી છે. મોતીને ન ઓળખવાથી કે તેનું મૂલ્ય ન સમજવાથી કંઈ મોતીનું મૂલ્ય ઘટી જતું નથી. મોતી તો મોતી જ રહે છે. મોતીને પારખવાની પરખશક્તિમાં દોષ હોઈ શકે છે. મોતી સ્વયં તો સ્વયંભૂ મૂલ્યવાન છે.
આ ગ્રંથમાં અનેક રસપ્રદ તેમજ પ્રેરણાસ્પદ દષ્ટાંતો તો છે જ પરંતુ તેની સાથે સંસ્કૃતિના કેટલાક ગૂઢ તત્ત્વો અને શબ્દોના ગૂઢાર્થનું વિવેચન સરળ શબ્દોની શૈલીમાં પિરસવામાં આવેલું છે.
સિંહાવલોકનમાં રણછોડરાયના ઉલ્લેખ સમયે રણ શબ્દના જુદા-જુદા પર્યાય શબ્દો ટાંકી રણ એટલે શું અને તેને છોડવાનો પુરુષાર્થ કયો તેનું માર્મિક અર્થઘટન આપેલું છે. સામાન્ય નજરમાં તો રણ એટલે લડાઈનું મેદાન અને તેમાંથી પલાયન કરનાર તે રણછોડ એવું તારણ બંધ બેસે છે. પણ આ તારણ શ્રીકૃષ્ણને માટે જરાયે બંધબેસતું નથી. યુદ્ધની ભૂમિ પરથી પલાયન થવા તૈયાર થયેલા અર્જુનને જેમણે પલાયનવાદનાં દુષણોનું ભાન કરાવી કર્તવ્યપરાયણતાના જ્ઞાનનો બોધ આપી યુદ્ધ માટે પ્રેરિત કરેલો છે. તેને આ અર્થથી નવાજાય કેવી રીતે ? રણછોડ શબ્દમાં રહેલા હિનપણા નો છેદ ઉડાવી શબ્દના ગૌરવપૂર્ણ અર્થનું અહીં નજરાણું ઘરવામાં આવ્યુ છે.
પ્રાચીમાઘવ તીર્થમાં શ્રીહરિના નિવાસ અંગે અહીંના પ્રાકૃતિક વાતાવરણની સમતુલાનો દષ્ટિકોણ રજુ કરી નિવાસની પુષ્ટિ માટે એક યુક્તિસંગત દલીલ ગળે ઉતારવાની કોશિશ કરાયેલી છે. આ દલીલ કેવળ કોરી કલ્પના ન હોઈ વાતાવરણની વાસ્તવિતા સાથે સંબંધિત હોવાથી શ્રીહરિના નિવાસનો સુસંબદ્ધ સંબંધ સૂચવે છે.
વૃકમુલિક તીર્થમાં જે ભાવનાઓ વૃકી (મૃગી)ના દષ્ટાંતથી વ્યક્ત થયેલી છે. તે ભાવનાઓ વર્તમાન સમાજના અંત:કરણમાં પણ જડબેસલાક જડાયેલી જોવા મળે છે. એક પશુ યોનિમાં જન્મેલ જીવની આ સદ્ગતિનું દષ્ટાંત ભલે શ્રદ્ધાવિહીન અને જ્ઞાનશૂન્ય બુદ્ધિજીવી વર્ગને કદાચ કપોલકલ્પિત લાગતું હશે; પણ ભારતીય તત્ત્વજ્ઞાનના અવતારવાદને સમજનાર કે શ્રદ્ધાવાન વર્ગને તો તે હેજેય અંડબંડ નહીં લાગે.
અહીં એક વાત સ્પષ્ટ કરવાનું મન થાય છે કે બુદ્ધિ એ જ્ઞાનનો પર્યાય શબ્દ નથી. હા, બુદ્ધિમાન વ્યક્તિ બુદ્ધિને સહારે જ્ઞાનના વિષયને સરળતાથી સમજી શકે છે. પરંતુ જ્ઞાનના ક્ષેત્રો મહાસાગરથી પણ વિશેષ વિસ્તાર ધરાવતાં હોઈ પ્રત્યેક બુદ્ધિમાનના મગજમાં તે બધા સંઘરાયેલા જ હોય તેવું સંભવ નથી. કેવળ બુદ્ધિમતાને કારણે કોઈપણ પ્રત્યેક જ્ઞાનની સર્વજ્ઞતાનો દાવો કરી શકે નહીં. જ્ઞાનાર્જન માટે મેઘા અને પુરુષાર્થ બંનેની જરૂર રહે છે. શ્રદ્ધા, મેઘા અને પુરુષાર્થના ત્રિવેણી સંગમથી જ્ઞાનનો આવિષ્કાર થઈ શકે છે.
રિતે