________________
સ્વામી વિવેકાનંદે વિશ્વની પરિસ્થિતિનું સમ્યક અધ્યયન કરી કહ્યું કે આત્યંતિક ભોગવાદના દૂષણથી પશ્ચિમના દેશો વધુ દૂષિત છે, જ્યારે ભારત આજે આત્યંતિક દરિદ્રતાના કુપ્રભાવથી પીડિત છે. આ સાક્ષાત્કારિત ચિત્ર દર્શનથી તેમણે સ્પષ્ટ કબુલાત કરી કે દરિદ્રતા ફેડવાનું વિજ્ઞાન ભારતે પશ્ચિમના દેશો પાસેથી આજે શીખવાનું છે જ્યારે પશ્ચિમે ભારત પાસેથી આધ્યાત્મિક યોગવિદ્યા પર આધારિત હિન્દુ જીવનદર્શન માંથી ઘણું ઘણું શીખવાનું છે.
પશ્ચિમના દેશોની આર્થિક ઉન્નતિના ઇતિહાસે સ્વામી વિવેકાનંદને દંગ તો અવશ્ય કરી દીધા છે, પરંતુ પશ્ચિમની આ ચકચકિત જાહોજલાલી એ તેમના અત:કરણમાં રહેલ ભારતીય સંસ્કૃતિની ક્ષમતાનું વિસ્મરણ કરાવેલું નથી.
સાચી વાતનો સ્વીકાર અને પોતાના સત્યપક્ષનું પ્રતિપાદન એ સ્વામી વિવેકાનંદના જીવનની લાક્ષણિકતા છે. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનું રહસ્ય સમજાવતાં તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આત્યંતિક ભોગવાદથી જ્યારે જીવાત્મા ઇન્દ્રિયોના વિષયોથી ઉબાઈ જાય છે ત્યારે તેનો જવાબ તેને મનની અક્ષય શાંતિ સર્જનાર યોગ શિક્ષણમાંથી મળી રહે છે. ભારતની સંસ્કૃતિ મનુષ્યને વિષયાનંદ બનાવતી નથી . પણ બ્રહ્માનંદ પ્રાપ્તિના લક્ષ્ય સંધાનનો રાહી બનાવે છે.
બ્રહ્માનંદ પ્રાપ્તિના લક્ષ્ય સંધાન માટે મનને ધીરે-ધીરે યોગ્ય પ્રશિક્ષણ દ્વારા સુશિક્ષિત બનાવાની યોગવિદ્યાને યોગમાં પ્રત્યાહાર કહે છે. આ પ્રત્યાહારના અભ્યાસથી મન શાંત અને નિર્મળ બને છે.
આસન અને પ્રાણાયામની ક્રિયાઓ શરીરના ઉત્સર્ગ તંત્રને ચૈતન્ય બક્ષી તેની રોગપ્રતિકારક વૈષ્ણવી શક્તિ વધારે છે.
ધ્યાન તો મનને વાયુવિહીન પ્રદેશના શાંત દીવા જેવું સુસ્થિર બનાવી મનને તેની ધારણા શક્તિ વિકસાવવામાં મદદરૂપ બને છે.
કર્મેન્દ્રિયો, મન અને જ્ઞાનેન્દ્રિયો સહિતનું શરીરનું ચેતનાતંત્ર જ્યારે એકસૂત્રતાના તાંતણાથી સંકળાય છે ત્યારે યોગનિદ્રાનો સાક્ષાત્કાર અનુભવાય છે. તેને સાંભવી મુદ્રા પણ કહે છે.
તૃષ્ણારહિત મન શાંતિ અને સુખનો જે સ્વાદ માણે છે તેવો સ્વાદ વિષય તૃષ્ણાઓ પાછળ ભટક્તા મનને અલભ્ય છે. તૃષ્ણાઓની તૃમિથી થતો આનંદ ક્ષણિક છે. ક્ષતિરહિત નથી.
તન અને મનનું નિરોગીપણું તેમજ પૂર્ણ વિકાસનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે સર્વોત્તમ પ્રશિક્ષણ ભારતીય યોગ-વિદ્યા ધરાવે છે. તે ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ઉત્તમતાનું મુલ્યવાન વિજ્ઞાન છે.
એટલા માટે આ વિજ્ઞાનને પ્રદાન કરવાનું દાયિત્વ ભારતનું છે.