________________
તત્ત્વજ્ઞાનના સાક્ષાત્કાર માટેની આચાર સંહિતાઓ પણ છે. શ્રેષ્ઠ મનુષ્યત્વની પ્રેરણા ઉત્પન્ન કરવાના સંસ્કારોનું ભાથું પણ તેમાં છે; તો નરમાંથી નારાયણ સર્જવાની સંજીવની શક્તિનાં અમૃત જળના રસાસ્વાદ કરાવનારાં ચારિત્ર્યોનો ખજાનો પણ તેમાં છે. આ સાહિત્યિક વારસો ભારતના ભવ્ય ભૂતકાળનો પ્રહરી છે અને વર્તમાનનો માર્ગદર્શક છે. તેમાં જ્ઞાન-વિજ્ઞાન અને ઇતિહાસના વિષયોને સાહિત્યના રસાસ્વાદથી લોકભોગ્ય શ્રેણીમાં પિરસવાનું મનોવિજ્ઞાન પણ જોવા મળે છે.
આ સાહિત્યમાં આશા-આકાંક્ષા અને ભયસૂચક ભાવનાઓની વિવિધ રંગ પુરવણી પણ વણાયેલી છે. પ્રેરક તત્ત્વજ્ઞાનના પુરુષાર્થની કેડી પણ તેમાં કંડરાયેલી છે. તો હજારો વર્ષના સદાચાર અને સ્વેચ્છાચારના ઇતિહાસનો નિચોડ પણ તેમાં સંગ્રહાયેલો છે. તેમાં ઇતિહાસ કથન છે. જ્ઞાનના ઝરણાંઓ છે. વિજ્ઞાનના આવિષ્કારોનું સાર તત્ત્વ છે. ઉજ્જવલ જીવન પ્રારંભ કરવાની ભૂમિકા છે. ઐહલૌકિક તેમજ પારલૌકિક સિદ્ધાન્તોના અમૃતફળોનો રસાસ્વાદ પણ છે.
આપણા પુરાણોમાં દર્શન શ્રવણ અને કિર્તનને સંસ્કાર નિર્માણનાં સાધનો ગણેલાં છે. ક્વિન એટલે વાણી. શ્રવણ પણ એક શ્રેષ્ઠ સાધન છે. ઉત્તમ પ્રકારના શ્રવણથી અંતરાત્મા જાગૃત થાય છે. સારા નરસાનો વિવેક જાગે છે. જે ગૂઢ રહસ્યો વાંચનથી સમજાતાં નથી તે પણ ઉત્તમ કથનના શ્રવણથી ચિત્તને સંસ્કારિત કરે છે. આપણે ત્યાં સાહિત્યમાં ઇતિહાસ લેખનની સાથે સમાજમાં ઇતિહાસ કથનની વ્યવસ્થા પણ વિચારાયેલી છે. ઇતિહાસ કથનની વ્યવસ્થાનો લાભ સાક્ષર-નિરક્ષર સૌને સમાન પણ મળે છે. આ ઇતિહાસ કથનની વ્યવસ્થાને પરિણામે આ દેશના સાક્ષર-નિરક્ષર સૌ કોઈ આ વારસાથી સ્વ શક્તિના અનુપાતમાં સંસ્કારિત છે. આપણા પૌરાણિકો, માણભટો, કથાકારો, કિર્તનકારો અને બ્રહ્મભટોના સમુદાયે આ પૌરાણિક વારસાને સમાજના અબોઘમાં અબોઘ વ્યક્તિ સુધી પ્રસરાવવા અપૂર્વ યોગદાન કરેલું છે.
જ્ઞાન-વિજ્ઞાન કે ઇતિહાસ આખરે તો સાહિત્યના સેતુથી જ લોકભોગ્ય બને છે. સાહિત્યના વિવિધ રસરંગોથી તે રસપ્રદ રસથાળ બને છે. રસપ્રદ સાહિત્ય લોક માનસને રસરંગી બનાવે છે. બોધપ્રદ તત્ત્વજ્ઞાન પણ જો વિવિધ સાહિત્ય રસથી સજાવવામાં ન આવે તો સામાન્ય જનમાનસ માટે અછૂત બની જાય છે. સંપૂર્ણ પૌષ્ટિક તત્ત્વોના સંયોજનથી બનેલ રસોઈ પણ જો વિવિધ રસોની મિલાવટના સ્વાદથી વંચિત હોય તો તે સામાન્ય જનમાનસ માટે નિરુપયોગી સાબિત થશે.
આ પુસ્તકમાં ઇતિહાસ કથનના નામે જે પ્રાચીન દષ્ટાંત રજુ કરાયેલાં છે તે હિન્દુ જીવનદર્શનના આજન્મ, પૂર્વજન્મ અને પુનર્જન્મના પ્રાચીન સાક્ષાત્કારિત સિદ્ધાન્તો સાથે તદ્દન સુસંગત છે હિન્દુ જીવનદર્શનની અવધારણા મુજબ યોનિ ગમે તે હોય પણ એક જ જીવતત્ત્વનું સંઘાણ આ સૃષ્ટિતંત્રમાં સંકળાયેલું છે. કર્મફળ અને કાળચક્રની મર્યાદાને અધિન રહી જીવ વિવિધ યોનિયોના સુખદુ:ખો ભોગવે છે. દૈહિક વિશિષ્ટતા તેમજ ક્ષમતા સંબંધે મનુષ્ય અન્ય પ્રાણિયોથી ચઢિયાતો છે. મનુષ્ય