________________
16
રત્નપ્રભા ટીકાના રચયિતા પૂજયપાદ આચાર્ય શ્રી વિજયોદયસૂરીશ્વરજી, શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હતા. ૨૦મી સદીના ગીતાર્થોમાં પહેલી હરોળમાં આવે તેવા તેઓ બહુશ્રુત ભગવંત હતા. જૈનસિદ્ધાંત, કર્મસાહિત્ય, શિલ્પશાસ્ત્ર,
જ્યોતિષ જેવી જ્ઞાનશાખાઓના તેઓ અધિકારી પુરુષ ગણાતા હતા. અધ્યયન, અધ્યાપન અને શાસ્ત્રસર્જન તેઓને અતિપ્રિય હતાં. પ્રસ્તુત ટીકા તેઓની આરૂઢ વિદ્વત્તાની ઝાંખી કરાવે તેવી છે.
આ ટીકાનું નામ પૂજ્ય શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિ શ્રીરત્નપ્રભવિજયજીના નામ સાથે સંકળાયેલું છે. તેઓશ્રી જૈનસાહિત્યના ગહન અભ્યાસી હતા. ૮ ગ્રંથોમાં પથરાયેલું આંગ્લભાષામય શ્રીમહાવીરસ્વામીચરિત્ર–એ તેમના તરફથી વિશ્વને મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેઓ ભારતના તે વખતના પ્રથમ હોમિયોપેથી (M.D.) ડૉક્ટર હતા. તેમનો પરિચય ટીકાની પ્રશસ્તિમાં આપેલો છે. તેમણે જ પૂજય આચાર્ય ભગવંતને વિનંતી કરી હતી કે મારા જેવા જીવોને ઉપકારક ગ્રંથવિવરણો રચો અને એ વિનંતીનો સ્વીકાર કરીને વિ.સં. ૨૦૦૦માં પ્રસ્તુત ટીકા રચવામાં આવી હતી. એનું સંશોધન પૂજય આ. શ્રીવિજયનંદનસૂરીશ્વરજીએ અને પ્રથમ સંપાદન મુનિ શ્રીરત્નપ્રભવિજયજીએ કર્યું હતું.
રત્નપ્રભા એ પ્રાચીન ટીકા-પદ્ધતિએ થયેલી રચના છે. પ્રશસ્તિમાં જણાવ્યા મુજબ ટીકાકાર ગ્રંથકારના પગલે-પગલે જ ચાલ્યા છે. મૂળગ્રંથના ભાવોનું સ્પષ્ટીકરણ એ જ ટીકાકારનો ઉદ્દેશ હોય એવી છાપ સમગ્ર ટીકાના અવલોકનથી ઉપસે છે અને ખરેખર તેઓ તે ઉદ્દેશમાં પૂર્ણપણે સફળ થયા છે. આ ટીકામાં ગ્રંથની એકપણ પંક્તિ અસ્ફટ નથી રહેવા પામી. અવાંતરવિષય તરીકે તેઓશ્રીએ નિરૂપેલી કેટલીક શાસ્ત્રચર્ચા તો અતિ મહત્ત્વની છે. જ્યારે આજે રચાતી કેટલીક ટીકાઓમાં કોઈપણ કારણ વિના આકર ગ્રંથોની વાતો ઉઠાવીને લખી દેવામાં આવે છે અથવા ટીકાનું કદ બને તેટલું વધારવા તદ્દન બિનજરૂરી રીતે અન્યગ્રંથોમાંથી ઉદ્ધરણોના ઉદ્ધરણો ઠાલવી દેવામાં આવે છે અને મૂળગ્રંથના ભાવોના સ્પષ્ટીકરણના સ્થાને પ્રભાવ પાડવો એ જ મુખ્ય ઉદ્દેશ બની રહે છે ત્યારે આ ટીકા એની સમતોલ પદ્ધતિને લીધે ટીકાકારો માટે આદર્શ બની રહે તેમ છે. વિદ્ધજ્જનોને આ દૃષ્ટિએ પણ ટીકાનું અવલોકન કરવા વિનંતી.
તાત્પર્યસંગ્રહો ટીકા પંડિત શ્રીસુખલાલજીની કૃતિ છે. તેઓની વિદ્વત્તા વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેટલાંય ઉત્તમ ગ્રંથરત્નો–સંપાદનો તેમના પાંડિત્યની સાખ પૂરે છે. તેમના જીવનચરિત્રના જિજ્ઞાસુઓએ “પંડિત સુખલાલજી' જેવા ગ્રંથો જોવા જેવા છે. પ્રસ્તુત ટીકા વિ.સં. ૧૯૯૩-૯૪ના અરસામાં રચાઈ હતી અને સિંધી ગ્રંથમાળામાં છપાઈ હતી.
જૈનતર્કભાષાની વિષયવસ્તુનાં મૂળ વિશેષાવશ્યકભાષ્ય, સ્યાદ્વાદરત્નાકર, લધીયસ્રય જેવા મહાગ્રંથોમાં છે. આમાંથી વિદ્યાર્થીઓને વિષયની વિશદતા માટે જરૂરી પાઠોનો સંગ્રહ આ ટીકામાં કરવામાં આવ્યો છે. ક્યાંક તાત્પર્યને પણ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આથી આ ટીકાનું નામ તાત્પર્યસંગ્રહ રાખવામાં આવ્યું છે. પંડિતજીએ ગ્રંથના વિષયોની તુલના માટે વિવિધ ગ્રંથોના સ્થાનનિર્દેશ કર્યા છે. પૂર્વ સંપાદનની જેમ જ પ્રસ્તુત સંપાદનમાં જૈનતર્કભાષા મૂળપાઠ (પરિશિષ્ટ-૧) ની નીચે નોંધવામાં આવ્યા છે.