________________
14
અહીં ‘મુખ્ય’ કહેવાનો અર્થ એ જ છે કે અન્ય પ્રમેયોની જેમ જ્ઞાનને આત્માના ગુણવિશેષ કે બીજી કોઈ રીતે ઓળખાવી દેવા માત્રથી દાર્શનિકોનું કામ પતી જાય તેમ ન હતું. જ્ઞાન પોતાની સ્વરૂપ-ઉત્પત્તિકા૨ણ-ફળાદિની વિચિત્રતાને લીધે બહુ ઊંડાણપૂર્વકનું નિરૂપણ જરૂરી બનાવતું હતું. જુદા જુદા દાર્શનિકોએ તે માટે ઊંડું ચિંતન-પૃથક્કરણ કર્યું અને પોતપોતાની રુચિ અને ક્ષમતા અનુસાર ‘જ્ઞાન’ પદાર્થનું પ્રતિપાદન કર્યું. આ પ્રતિપાદન તે તે દર્શનના ‘પ્રમાણશાસ્ત્ર’ તરીકે ઓળખાય છે.
આ પ્રમાણશાસ્ત્રોમાં પણ, દર્શનોના સૈદ્ધાંતિક માળખાની વિભિન્નતા, કઈ બાબતને પ્રાધાન્ય આપવું એમાં સ્વતંત્રતા, બોધનું તારતમ્ય તથા જ્ઞાનસ્વરૂપના ખ્યાલોમાં અતિશય તફાવત જેવાં કારણોને લીધે મોટો મતભેદ પડ્યો અને તેણે દાર્શનિકોને પોતાના પ્રમાણશાસ્ત્રને સંપૂર્ણ બનાવવાની ને બતાવવાની ફરજ પાડી. આથી આ વિભાગનો પણ દરેક દર્શનમાં ખૂબ વિકાસ થયો ને આક્ષપાદાદિ દર્શનોનો મોટો ભાગ તો આ જ શાસ્ત્રે રોક્યો.
અહીં એક વાત ધ્યાન પર લેવા જેવી છે કે બીજાં દર્શનોએ જ્ઞાનોત્પત્તિનાં કારણોને (=પ્રમાણોને) મુખ્ય ગણી આખું તંત્ર ગોઠવ્યું છે, જ્યારે જૈનદર્શને જ્ઞાનને (=પ્રમાને) જ પ્રાધાન્ય આપ્યું છે. (આ ગ્રંથમાં આ વાત સુપેરે દેખાશે.) માટે નિરૂપણરીતિમાં ઘણો ફેર પડ્યો છે. અલબત્ત, સ્યાદ્વાદની દૃષ્ટિએ ‘પ્રમાણ’ અને ‘પ્રમા’ વચ્ચે સર્વથા ભિન્નતા છે પણ નહીં. માટે જૈનોનું ‘પ્રમાણશાસ્ત્ર' એ ‘પ્રમાશાસ્ત્ર' જ છે.
બીજી એક વાત પણ ધ્યાન પર લેવા જેવી છે કે બીજાં દર્શનોમાં જ્ઞાનના અમુક જ ભેદો પર વિશેષ મહત્ત્વ અપાયું છે, ‘પ્રમાણસંખ્યા કેટલી ?' જેવા કેટલાક પ્રશ્નો તો જાણે જીવનમરણના પ્રશ્નો થઈ પડ્યા છે અને આમાં જ્ઞાનનું સમગ્ર સ્વરૂપ નિરૂપવું એ વાત ભૂલાઈ ગઈ છે. દા.ત. સૌથી વિકસિત પ્રમાણશાસ્ત્ર જેનું ગણાય છે તે ન્યાયદર્શનમાં નિર્વિકલ્પક પ્રત્યક્ષ પહેલાંના કે પછીના માનસિક ઊહાપોહની કોઈ ચર્ચા જ નથી, સાક્ષાત્ આત્મા દ્વારા થતા પ્રત્યક્ષના ભેદ-પ્રભેદ, વિકાસ વગેરેનું કોઈ જ સ્પષ્ટીકરણ નથી. જ્યારે જૈનદર્શનનું પ્રમાણશાસ્ત્ર આ વિષય પરત્વે પોતાની પૂર્ણતા માટે બેજોડ છે. એના જેવું જ્ઞાનનું સર્વાંગીણ નિરૂપણ અન્યત્ર અલભ્ય છે.
એક મહત્ત્વની વાત એ પણ છે કે જૈનદર્શને યથાર્થજ્ઞાનના સાધન તરીકે માત્ર પ્રમાણોને જ નથી સ્વીકાર્યાં, પણ નયોને પણ લીધા છે. દરેક વસ્તુના ધર્મો અનંત છે અને એ અનંત ધર્મો સાથે વસ્તુનું જ્ઞાન તે પ્રમાણ છે. પરંતુ દરેક વખતે વસ્તુનું જ્ઞાન કે નિરૂપણ અનંત ધર્મો સાથે જ થાય તે સંભવિત નથી. એટલે વસ્તુના એક ધર્મને પણ વિષય કરનારા આત્માના અભિપ્રાયવિશેષને યથાર્થજ્ઞાનના સાધન તરીકે સ્વીકારી જૈનદર્શન તેને ‘નય’ એવી સંજ્ઞા આપે છે. હા, આ અભિપ્રાય જો વસ્તુના બીજા ધર્મોનો તિરસ્કાર કરે તો જૈનદર્શન એને ‘નયાભાસ’ તરીકે ઓળખે છે અને યથાર્થજ્ઞાનસાધન તરીકે એને સ્વીકારતું નથી. ઉદા. તરીકે ‘વસ્તુ એક અપેક્ષાએ નિત્ય પણ છે અને એક અપેક્ષાએ અનિત્ય પણ છે’–પ્રમાણવાક્ય. ‘વસ્તુ નિત્ય છે’– નયવાક્ય. ‘વસ્તુ નિત્ય જ છે.'—નયાભાસ. અન્ય સર્વદર્શનો આ નયાભાસની કોટિમાં આવે છે