________________
૨/૩ ભાગે રહે. ૧/૩ ભાગ જે શરીરમાં પોલાણ છે તેટલો ભાગ સંકોચાઈ જાય અને ૨/૩ ભાગ રહે. પછી અમૂર્ત દશા.
અવગાહના એટલે સ્પેસ (જગ્યા) રોકવી તે ભાગને કહે છે. આત્મા જગ્યા રોકતો નથી, એ અનુઅવગાહક છે. સિદ્ધક્ષેત્રમાં આત્મા અને આકાશ. આત્મા જગ્યા રોકતો નથી. એટલે આકાશના ઉપકારમાંય પોતે રહ્યો નથી. ભગવાન સ્વતંત્ર છે બધાથી.
એકલા શુદ્ધ પરમાણુ, પુદ્ગલ સ્પેસ રોકે છે, બીજા કોઈ તત્ત્વ નહીં.
આત્મા સંસારમાં પુદ્ગલ સાથે છે એટલે જગ્યા રોકે છે. ત્યાં સુધી અવગાહના કહેવાય.
આ દેહ ના હોય તો આત્મા પોતે જગ્યા રોકે નહીં. એટલો બધો સૂક્ષ્મ છે કે અગ્નિની આરપાર જતો રહે તોય એને એ અડે નહીં. ડુંગરાની આરપાર જતો રહે એટલો સૂક્ષ્મતમ છે.
આત્મા સિદ્ધદશામાં સ્પેસ રોકે તો એ અવલંબન લીધું કહેવાય. આત્મા નિરાલંબી છે, એને કોઈ વસ્તુની જરૂર હોતી નથી. બીજી વસ્તુનો આધાર હોય તો એને મોક્ષ કહેવાય જ નહીંને ! પોતે પ્રકાશ સ્વરૂપ છે, પ્રકાશ તો આકાશ રોકે નહીંને !
સિદ્ધો અનંતા છે સિદ્ધક્ષેત્રમાં.
મનુષ્યમાંથી ધીમે ધીમે સિદ્ધ થવાનું છે. તે કો'ક એકાદ-બે સિદ્ધ થાય આખી દુનિયામાંથી. વળી પાછા થોડા વખત પછી એકાદ-બે થાય. એટલે સિદ્ધ થવું એ એવું સહેલું પદ નથી.
તત્ત્વાર્થ સૂત્રમાં જણાવ્યું છે કે એક સિદ્ધ થયા પછી લાગલગાટ બીજા સિદ્ધ થાય, તે નિરંતર સિદ્ધ કહેવાય. તે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ આઠ સમય સુધી નિરંતર સિદ્ધિ ચાલે છે.
કોઈ સિદ્ધ થયા બાદ જ બીજા સિદ્ધ થાય છે, તે આંતર સિદ્ધ કહેવાય. તે બન્ને વચ્ચે અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનું હોય છે.
92