________________
ત્યારથી એને પંચ પરમેષ્ટિ કહેવાય. જ્ઞાનીનો જોગ ના બેસે તો તો અનાદિ અનંત છે જ !
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.... એમાં કૃપાળુદેવ ભાવના ભાવે છે કે સિદ્ધાલયમાં પહોંચી સાદિ અનંત દશા અમને પ્રાપ્ત થાય અને અનંત દર્શન, અનંત જ્ઞાન સહિત અનંત સમાધિ સુખમાં રાચું.
[૧૯.૨] સિદ્ધક્ષેત્ર
મોક્ષ એટલે મુક્તભાવે પોતાના સ્વરૂપમાં રહેવાનું. મોક્ષ એટલે ઈન્ડિપેન્ડન્ટપણું. એ સિવાય બીજું કંઈ નહીં. એ મોક્ષ થયેલા આત્મા ત્યાં સિદ્ધક્ષેત્રમાં છે, ત્યાં સિદ્ધશીલા છે તે સ્થાનમાં મુકામ કરે છે. ત્યાં અનંતા સિદ્ધો છે.
સિદ્ધ ભગવાન એ સિદ્ધક્ષેત્રમાં કાયમને માટે રહેવાના. એમને નિરાલંબ સ્થિતિ. ટાઢ નહીં, તડકો નહીં, બૉડી નહીં, મન નહીં, વાણી નહીં, કશું જોઈએ નહીં. એ કશું કરે નહીં, કશું ખોળે નહીં, કશું કોઈનું ધોળે નહીં. એમને આવું શરીર જ નહીં, પ્રકાશરૂપી દેહ હોય. એમને દુ:ખ નહીં, ફક્ત સુખ, સુખ ને સુખ !
સંસારમાં બીજા તત્ત્વો છે, તેમાં દબાણ આવવાથી પોતાને એવો ખ્યાલ બેસી ગયો છે કે આ હું છું. એ ઊંધા ખ્યાલને લઈને આ પકડ રહ્યા કરે છે. જ્ઞાની મળવાથી એ ખ્યાલ છૂટે છે ને હું જુદો, હું શુદ્ધાત્મા અને આ જુદું એ ભાન થાય છે. પછી બધા આવરણો તૂટી ગયા એટલે સંસારથી મુક્ત થઈ ગયા. બીજા તત્ત્વોની પકડમાં હવે છે નહીં પોતે એટલે ત્યાં સિદ્ધક્ષેત્રમાં રહેવાનું. એટલે સંસારમાં પાછું આવવાનું નહીં.
સિદ્ધશીલા તો ત્યાં કર્મને ચોંટવું હોય તોયે ચોંટાય નહીં. સિદ્ધક્ષેત્રની નીચેના ભાગમાં પુદ્ગલ પરમાણુઓ છે. એ સિદ્ધોને અસર ના કરે. લોક અને અલોકની વચ્ચે એ સિદ્ધક્ષેત્ર છે.
સિદ્ધોને કોઈ જાતની અસર જ ના હોય અને સિદ્ધોની સ્થિતિની અસર અહીં ના આવે. ફક્ત આપણું બધાનું લક્ષસ્થાન એ છે કે આપણે ત્યાં જવું છે.
90