________________
કેવળજ્ઞાનીને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા. પણ એ વગર કામનું જુએ નહીં, શુદ્ધ જ જુએ બધે. એમને દરેકે દરેક પ્રદેશનો અનુભવ, એટલે વિજ્ઞાનઘન આત્મા કહેવાય. આત્મજ્ઞાન થયા પછી મહાત્માઓને એ દશાએ પહોંચવાનું છે. જેમ જેમ ભરેલો માલ નીકળી જશે, તેમ તેમ દરેક પ્રદેશનો અનુભવ થતો જશે.
[૧૬] સંકોચ-વિકાસશીલ આત્મા ભાજન પ્રમાણે સંકોચ-વિકાસ પામે છે. જેમ લાઈટને ઘડામાં મૂકો તો ઘડા જેટલું અજવાળું ફેલાય અને મોટા ઘડામાં મૂકો તો પ્રકાશ એટલો ફેલાય. ઘડા પ્રમાણે પ્રકાશ થઈ જાય. એવી રીતે આત્મા એય પ્રકાશ સ્વરૂપ છે.
આત્મા નિરાકારી હોવા છતાં દેહાકારે છે. જે ભાગ ઉપર આવરણ છે એ ભાગમાં આત્મા રહેલો છે, તેનો આકાર દેખાય છે. હાથીમાં હાથી જેવડો થાય ને કીડીમાં કીડી જેવડો, માણસમાં એવડા પ્રમાણમાં થઈ જાય. આત્મા દેહ પ્રમાણ રહે છે.
બાકી આત્મા નાનોય નથી, મોટોય નથી, હલકો-ભારે નથી, એ તો એના સ્વભાવમાં જ છે.
આત્મા જ્યાં સુધી સંસાર દશામાં છે, ત્યાં સુધી સંકોચ-વિકાસવાળો છે. મોટા દેહમાં વિકાસ પામે, નાના દેહમાં સંકોચાઈ જાય, છતાં આત્મા બધામાં આખો જ છે, સરખો જ છે.
જેમ કર્મ વધારે હોય, ચીકણા હોય તો દેહ નાનો મળે અને મોટો દેહ ઓછા કર્મોવાળો હોય.
સંસારી દશાઓ પૂરી થઈ જાય પછી એક જ સ્વરૂપ. પછી જે મનુષ્યના દેહે છુટકારો થાય, એ દેહના ૧/૩ ભાગ ઓછો આકાર સિદ્ધક્ષેત્રમાં રહે. પછી સંકોચ-વિકાસ નહીં.
આકાશ તત્ત્વ આત્મા કરતા મોટું. ઘરમાં રહેનારા કરતા ઘર મોટું. આકાશમાં કેટલા બધા આત્મા રહી શકે ! તોય એ મોટું રહે છે.
81