________________
[૧૬]
સંકોચ-વિકાસશીલ આત્માનું રૂપ બધામાં સરખું, ફેર સંકોચ-વિકાસમાં
પ્રશ્નકર્તા: તમે કહો છો કે આત્માને તમે જોઈ શકો છો, તો તમે કયા રૂપમાં જોઈ શકો છો એને ?
દાદાશ્રી : એનું જે રૂપ છે એ રૂપમાં જ જોઈ શકું છું. પ્રશ્નકર્તા રૂપ કેવું છે અને શું છે ? બધાનું સરખું છે ?
દાદાશ્રી : બધાનું સરખું. ગાય, ગધેડો, કૂતરો, ભેંસ, ઝાડપાન એમાં ફેર નથી, એના સંકોચ-વિકાસમાં ફેર છે. તેથી આ હાથી હોય તો એટલો બધો વિકાસ થયેલો હોય, કીડી હોય તો સંકોચ થયેલો હોય બસ. એનું એ જ છે, એક જ જાતનું.
પ્રશ્નકર્તા ઃ દાદા, એ વધારે સમજાવશો.
દાદાશ્રી : આત્મા ભાજનના પ્રમાણમાં સંકોચ-વિકાસ કરે છે, ભાજન પ્રમાણે પ્રકાશ કરે.
આત્મા તો પ્રકાશસ્વરૂપ છે. પ્રકાશસ્વરૂપ એટલે ઘડામાં મૂકો તો ઘડા જેટલો લાગે અને પછી આવડા મોટા ઘડામાં લટકાવો એટલે એવડોમાં લાગે. એટલે જેવો ઘડો એ પ્રમાણે થઈ જાય.