________________
૨૧૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દાદાશ્રી : બરાબર.
પ્રશ્નકર્તા: હવે મારા અતીન્દ્રિય જ્ઞાનથી મેં આ જાણ્યું કે આ વસ્તુ આ છે, ત્યાં મારો આત્મા ખરો કે નહીં ?
દાદાશ્રી : આત્મા જ ને ! એ શું કહેવાય છે ? એ પર્યાય કહેવાય છે. એ જ્ઞાનનો પર્યાય છે.
પ્રશ્નકર્તા : જ્ઞાનનો પર્યાય, અતીન્દ્રિય જ્ઞાનના પર્યાયથી.
દાદાશ્રી: પર્યાયથી જોઈ શકાય આ અને જોવાના, શેય આઘાપાછા થાય એટલે પર્યાય પણ આઘાપાછા થાય. શેય ઓછા-વધતા થાય તો પર્યાય ઓછા-વધતા થાય. એ શેયના આધારે પર્યાય થાય.
પ્રશ્નકર્તા: આત્માનું જ્ઞાન તો પર્યાયમાં જ આવે છે ને, બીજા ક્યાં જાય ?
દાદાશ્રી: હા, પર્યાયમાં જાય છે પણ પર્યાયને આત્મા ના કહેવાય. દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણ ભેગું થાય ત્યારે વસ્તુ કહેવાય, તત્ત્વ કહેવાય અને એ તત્ત્વ આખું જ જોઈએ. એકલા પર્યાયનું ચાલે નહીં. ગુણ વગર પર્યાયેય ના હોય, પણ પર્યાય વિનાશી છે એના. ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય. ઉત્પન્ન થવું, નાશ થવું ને ધ્રુવતા, પોતાના સ્વભાવને આધારે ધ્રુવતા રહે છે. ધ્રુવપણું છોડતું નથી. ઉત્પન્ન ને વિનાશ થયા કરે છે, એનું નામ પર્યાય. અને એટલે લોકો શું સમજ્યા છે કે આત્મા કોઈ બીજી વસ્તુ હશે, જ્ઞાન સિવાય. એટલે અમે શું કહીએ છીએ કે એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર જ છે. આ બધું જાણે એ ઈન્દ્રિયજ્ઞાત, તેને જાણે એ અતીન્દ્રિયજ્ઞાત
પ્રશ્નકર્તા : હવે આત્મા જ્ઞાન માત્ર જ છે. અત્યારે અહીંયા સામો કબાટ છે એ મેં જોયું. મારા જ્ઞાને જાણ્યું કે આ કબાટ તો જડ છે. એ કંઈ કહેતો નથી કે જુઓ, હું કબાટ છું, મને જુઓ. એ તો એને બોલવું એવું કંઈ છે નહીં ને જ્ઞાન છે નહીં.