________________
[૧૦] અગોચર - અતીન્દ્રિયગમ્ય
દાદાશ્રી : એટલે આવું ચોખ્ખું જ રહે છે. પણ ફક્ત ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું તમારે. ખરા-ખોટાનીયે ખેંચ નથી કહેતો હું તો. ઈન્દ્રિય જાણપણું ક્યારે કહેવાય ?
૨૦૯
પ્રશ્નકર્તા : એવું થાય છે કે જ્યારે વધારે કામનો ભાર આવે તે વખતે ઈન્દ્રિયોથી બધું જોયું હોય એવું દેખાય.
દાદાશ્રી : એ જ ગૂંચવાડો. એ બધી બસો પછી આવવા માંડે એટલે દેખાતું બધું બંધ થઈ જાય. દેખાતું બધું બંધ થઈ જાય એટલે ગૂંચવાઈ જાય.
પ્રશ્નકર્તા ઃ આવા ગૂંચવાડા વખતે આપણને યાદ રહેતું હોય કે હું ચંદુભાઈને જોયા કરું છું, તો એ ઈન્દ્રિય જાણપણું કહેવાય કે અતીન્દ્રિય જાણપણું કહેવાય ?
દાદાશ્રી : ઈન્દ્રિય જ્ઞાનપણું ક્યારે કહેવાય કે ચંદુભાઈ થઈને જુએ ત્યારે. શુદ્ધાત્મા થઈને ચંદુભાઈને જુએ તો ઈન્દ્રિય જ્ઞાન ના કહેવાય. પ્રશ્નકર્તા : પણ ચંદુભાઈ થઈને જુએ નહીં, એ તો એમ ને એમ જ જુએ તો ?
દાદાશ્રી : એ કામ જ ના લાગેને !
પ્રશ્નકર્તા ઃ એ ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : એ બધું ખબર જ હોય હંમેશાં. ચંદુભાઈ તરીકે જુએ છે ને, એ બધું જ ખબર આપણને પડે કે ચંદુભાઈ શું કરી રહ્યા છે. જેમ પારકો શું કરી રહ્યો છે જાણીએ તેવું આપણે ચંદુભાઈ શું કરી રહ્યા છે એને જાણીએ. કારણ કે શુદ્ધાત્મા એટલો બધો છૂટો આપ્યો છે કે બધું તમને ખબર જ પડી જાય.
પ્રશ્નકર્તા : ચંદુભાઈ થઈને ચંદુભાઈને જુએ છે એવો દાખલો આપો તો ખ્યાલ આવે.
દાદાશ્રી : ચંદુભાઈ ચંદુભાઈને નથી જોતો, શુદ્ધાત્મા ચંદુભાઈને
જુએ છે.