________________
સંપાદકીય આ જગતમાં છ સનાતન તત્ત્વો છે જેમાંનું એક તત્ત્વ છે આત્મા. જેનું વર્ણન શાસ્ત્રોમાં પણ મળે છે. આત્મા જે પોતાનું સ્વરૂપ છે, એ અવિનાશી વસ્તુને સમજવી ને ઓળખવી કેવી રીતે ? એનું અસ્તિત્વ છે એ જ પહેલા કન્ફર્મ (નક્કી) કેવી રીતે કરવું? કેવી રીતે ખાતરી કરવી ? એ છે તો એના ગુણો કયા? એનું સ્વરૂપ કેવું ? એનું દ્રવ્ય કેવું છે એ કેવી રીતે સમજી શકાય? એની ઓળખાણ તો કો'ક અનુભવી જ્ઞાની પુરુષ હોય તે જ કરાવી શકે અને તે જ એની અનુભૂતિ કરાવી શકે.
જેમ નાના બાળકને A-B-CD શિખવાડવી હોય તો A અને કહેવાય, 8 આને કહેવાય એ રીતે શિખવાડવું પડે. તે ટીચર એને બોલતા, લખતા-વાંચતા શિખવાડે પણ એની રીત ! બાળક રોજ એપલ (સફરજન) ખાતો હોય, એણે જોયું હોય, એ બોલતો હોય એપલ, તેના ઉપરથી A ફૉર એપલ, એમ ટીચર એને બોલતા શિખવાડે. તે જ રીતે B ફૉર બેટ. એણે બેટ જોયું હોય, એનાથી રમતો હોય, બેટ બોલતો હોય. આમ A-B-C-D બોલતા શીખે, વાંચતા શીખે, લખતા શીખે અને અક્ષરોને કેવી રીતે ઉપયોગમાં લેવા એવું પણ એને ટીચર શિખવાડે. પણ આત્માની બાબતમાં એની પૂર્ણ જાણકારી એના જાણકાર જ્ઞાની સિવાય કેવી રીતે પ્રાપ્ત થાય ?
પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)એ જ્ઞાનવિધિ એક એવો ભેદજ્ઞાનનો પ્રયોગ ગોઠવી આપ્યો, કે જેના થકી વ્યક્તિને પોતાને રાઈટ બિલીફ બેસે છે કે “ચંદુ નથી પણ હું શુદ્ધાત્મા છું.” પછી સત્સંગમાં એને પોતાને ગેડ બેસતી જાય કે કઈ રીતે હું શુદ્ધાત્મા છું.” એ ઉપરાંત ‘મારું સ્વરૂપ શું છે, આ રિલેટિવ સ્વરૂપ મારું નથી, આ ક્રિયાઓનો કર્તા હું નથી, ખરેખર કર્તા કોણ છે, હું શું કરી શકું છું, શું નથી કરી શકતો, માય રિયલ બિઈંગ (મારું સાચું અસ્તિત્વ) અને મારા ગુણો શું છે, મારો સ્વભાવ શું છે, જીવનમાં રોજના કાર્યો થાય છે, તેમાં કરે છે કોણ ને હું ક્યાં છું, કેવા સ્વરૂપે છું, કેવી રીતે અસંગ છું, કેવી રીતે નિર્લેપ છું, કેવી રીતે જુદો છું, જ્ઞાતા-દ્રષ્ટા છું આ બધી બાબતોની સત્સંગમાં એમની જ્ઞાનવાણી દ્વારા ગેડ બેસાડતા ગયા. સામાને તે લેવલની સમજણ આપી પોતે જેમાં વર્તે છે તે ઉપરના સ્ટેપે ચઢાવતા ગયા.