________________ 30 ભાવનામૃતઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન એકતા કે સંગઠન અત્યંત જરૂરી છે, પણ બધાં કપડાં ઉતારી આપીને જો એકતા કે સંગઠન કરવાના હોય તો તે હરગિજ મંજૂર નથી. એમાં ય ધર્મ તો સમગ્ર વિશ્વના સર્વ જીવોના હિતની જીવાદોરી છે. એના સિદ્ધાંતોનો આડેધડ ભોગ આપી દઈને એકતાઓ કરવાનો આપણને શો અધિકાર ? એવી એકતાઓ સસ્તી કીર્તિ કમાઈ લેવા સિવાય બીજું કયું ફળ આપે છે? વળી એવી સિદ્ધાંતહીન એકતાઓનું આયુષ્ય પણ કેટલું? અંતે તો એકતાથી જ અનેકતા... યાદવાસ્થળી સર્જાય છે. નામ જ એકતાનું પણ પરિણામ લડાઈનું... વધુ દૂર જવાનું. વધુ વૈર ઉભું કરવાનું જો આટલી જ વાત બધાયને સમજાઈ જાય તો મને લાગે છે કે બુદ્ધિવાદનાં તોફાનો સામે પ્રત્યેક જૈન સખ્ત શબ્દોમાં બોલતો થઈ જાય. યાદ રાખો કે ધર્મ તો એના મૂળભૂત સ્વરૂપે જ પ્રકાશે અને વિસ્તરે. ભલે પછી તેનું ક્ષેત્ર કદાચ નાનું પણ હોય. દૂધ થોડુંક પણ જો ચોખ્યું હોય તો લોહી કરે, પાણી નાંખીને એનું પ્રમાણ વધારવાથી લાભને બદલે નુકસાન જ થાય. જૈન ધર્મ આચારથી વિસ્તરે, થોડોક કે ઘણો એ સવાલ જ અસ્થાને છે. એવી ઈચ્છા જ ખોટી છે. થોડોક પણ શુદ્ધ આચાર પાળતો એક જૈન, જૈનશાસનનો રક્ષક છે. નામ-જૈનોનાં ટોળાં ભેગાં કરવાથી તો જે દશા કોંગ્રેસની થઈ તે જ દશા જૈનોની થાય. બ્રાન્ત પુરુષોની દુનિયામાં બહુમતી છે, તેથી તેમનો ભ્રાન્ત મત વધુ ફેલાવો ધરાવે છે. અભ્રાન્ત પુરુષો થોડા છે માટે સત્ય મત ઘણા નાના વર્તુળમાં રહ્યો છે. જમાનો બહુમતીની તરફેણ કરનારો ભલે હોય પણ શ્રી જિનશાસન તો જિનમતિમાં જ માને છે. ભલે પછી તેની તરફેણમાં એક જ વ્યક્તિ હોય.