________________
[ ૧૩૪ ]
અનુભવ-વાણી દરેક માણસ ગમે તે કક્ષાનો કે વર્ગને હોય, પરંતુ તેના જીવનનું સૌથી પહેલું ધ્યેય કામ કરી ધન કમાવાનું અને તે દ્વારા કુટુંબનું પાલનપોષણ કરવાનું હોય છે. ધંધા કે કમાણમાં સમયના સંજોગોના પ્રમાણમાં ભરતી ઓટ આવ્યા કરે છે, પરંતુ તે બધામાંથી સાંગોપાંગ પાર કેમ ઉતરવું તેની આવડત કે તાલીમ જોઈએ છે. આજે શિક્ષણ અને તેનું પ્રમાણ વધ્યાં છે છતાં ભણેલાઓ માટે નોકરી કે ધંધાને પ્રશ્ન પણ એટલે જ જટીલ અને વિકટ બને છે. આ પ્રશ્નો ઉકેલ સરકાર કે પ્રજા સહેલાઈથી કરી શકતા નથી, ગમે તેટલી નોકરી શોધી આપવાના ખાતા ખોલવામાં આવે તે પણ બેકારની સંખ્યા ઘટવાને બદલે વધતી જ જાય છે, આનું ખરું કારણ એ છે કે નવા ઉમેદવારને ધંધાદારી કે નોકરીની તાલીમ, શિક્ષણ કે અનુભવ આપવાનું કામ કઈ સંસ્થા કરતી નથી, અને નોકરીએ રહેવા આવનાર નવા માણસ માટે પ્રથમ પ્રશ્ન એ પૂછાય છે કે અનુભવ શું છે અને કેટલા વર્ષને છે, આને જવાબ શુન્ય કે નકારમાં હોય છે, એટલે નવા બીનઅનુભવીને કઈ આવકારતું નથી. આ માટે સરકારે કરવેરાના બોજ વધારવાને બદલે સૌથી પહેલું કામ એ કરવું જોઈએ કે દરેક ધંધાદારી દુકાન, સંસ્થા, પેઢી કે કારખાનામાં એ પ્રબંધ હોવો જોઈએ કે તે દરેક અમુક સંખ્યામાં વગર પગારે કામ કરવાવાળા ઉમેદવારે રાખી તેઓને ધંધાદારી તાલીમ આપવી જોઈએ અને ત્રણ કે છ મહિના પછી તેઓની પરીક્ષા લઈ ગ્યતાના પ્રમાણમાં અમુક પગાર કરી આપવો જોઈએ, અથવા આવી વ્યવહાર તાલીમ અને શિક્ષણ આપવા માટે ધંધાદારી સંસ્થાઓ હેવી જોઈએ. અનુભવીઓનું કહેવું યથાર્થ છે કે ધંધામાં ધન કરતાં કામનો અનુભવ, આવડત અને ગણતરી સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. સરકાર આ પ્રબંધ કરે એમ આપણે સૌ ઈછીએ.