________________
પ્રાકુવચન
સંસારની સપાટી ઉપર જીવ અનાદિકાળથી વિવિધ સ્વાંગો સજીને નાટકીયાની જેમ નાટક કરી રહ્યો છે. કર્મ સૂત્રધાર છે. જીવને તે આદેશઇસારા કરીને નાનાવિધનાચ નચાવી રહ્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી વીતરાગદેવની સ્તવના કરતાં મુક્તકંઠે લલકારે છે કે- “ કર્મ નચાવે તિમહી નાચત.”અનાદિનો નાટારંભ સંસારની રંગભૂમિ ઉપર સતત ચાલ્યા કરે છે. આ જીવ પ્રબલ પુણ્યના પ્રતાપે માનવજન્મને મેળવે છે અને તેમાંય નાચ તો નાચવો જ પડે છે. માનવની બુદ્ધિ જરા સ્વસ્થ થાય, શાસ્ત્રાધ્યયન કે શ્રવણથી બુદ્ધિમાં સંસ્કાર સિંચાય અને સ્વભાવને દેખી પરભાવનો પરિત્યાગ કરીને સ્વરમણતા મેળવે, તો જીવને કર્મજનિતનાચ ઓછો થાય અને બાહ્ય રંગ ઉડી જાય છે. આથી તે અંતર્મુખ બને છે અને અત્યંતરના ઉત્થાનમાં ડોકીયું કરે છે. પછી તો કર્મ ગુન્હેગારની જેમ લાચાર બને છે. કર્મનો જંગ જીતાતાં જીવાત્મા કર્મ ઉપર વિજય મેળવે છે-સાચો વિજેતા બને છે.
પ્રાણી માત્રને સંસારનિવાસ એ પરવશતાનો-પરાકાષ્ઠાનો દારૂણ પાશ છે. સંસારને શાસ્ત્રકાર મહારાજાઓ સાગરની, દાવાનળની અને કેદખાનાની ઉપમાઓ અર્પે છે, તેમ જ પ્રાણીઓને એ ભયંકર સ્થાનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપે છે. તેઓશ્રી સંસારની દારૂણ-દુઃખ દાવાનળથી બળેલા જીવને પૂર્ણ શીતલતાભર્યું જો કોઈ સ્થાન હોય, તો તે અરાલ અને અવ્યાબાધ એકમોક્ષ જ છે-એમ પોકારી પોકારીને પ્રદર્શિત કરે છે. સંસારસાગરમાં બૂડતા પ્રાણીઓને તરવાનું સ્થિર અને શાશ્વત સ્થલ મુક્તિ જ છે-એય નિશ્ચિત વિદિત કરે છે. સંસારરૂપી કેદખાનામાં-પરતંત્ર દેહમાં માત્ર દુઃખ, દુઃખ અને દુઃખને જ અનુભવતા જીવોને માત્ર સુખ, સુખ અને સુખમય સ્થાન મોક્ષ જ છે-એવું પ્રતિપાદન કરે છે.