________________
૫૫
નમો અરિહંતાણમ્: મંત્ર
નહાવાની ઓરડી ( bath room) માં મુકાયેલો અરીસો, તમારી ઘણી ખાનગી વાતો જાણતો હશે અને તે પકડી શકાશે. તમારાં બધાં રહસ્ય જે તમે કોઇને નકહ્યાં હોય તે ખુલી ન જાય તે માટે તમારે આવા અરીસાને સંભાળવો પડશે. જેટલા ધ્યાનમગ્ન થઇને તમે અરીસામાં જોતા રહો છો તેટલા કદાચ તમે બીજી કોઇ ચીજને નહિ જોતા હો. એમાં તમારી ઊર્જા પ્રવિષ્ટ થશે જ, થશે.
બીજો સવાલ એ ઊભો થાય છે કે જો ધ્યાનમગ્ન થવાથી આપણી ઊર્જા આપણામાંથી બીજી કોઇ ચીજમાં પ્રવેશી જતી હોય તો શું એથી ઊલટું ન બની શકે? જ્યારે તમે ધ્યાનમગ્ન બનો છો ત્યારે તમે એક ઊર્જાનું કેન્દ્ર હો છો. તો તમારી ઊર્જા જો તમે જેના પ્રતિ ધ્યાનમગ્ન બનો તેમાં દાખલ થઇ જતી હોય તો તમે જ્યારે શરણાગતિ સ્વીકારીને પરમશક્તિ તરફ સમર્પિત થઇ જાવ ત્યારે એ પરમશક્તિની ઊર્જા તમારામાં ન પ્રવેશી શકે ? ઊર્જાનો પ્રવાહ બન્ને દિશામાં હોય છે. જો ઊર્જા તમારામાંથી વહી શકતી હોય તો ઊર્જા તમારા તરફ પણ વહી શકે છે. જો ગંગા સાગર તરફ વહેતી હોય તો સાગર ગંગા તરફ ન વહી શકે ? સવાલ કઇ તરફ નીચાણ છે તેનો છે. શરણાગતિ એટલે પ્રવાહને આપણા તરફ વહેતો કરવાની પ્રક્રિયા. શરણાગતિ સાગરને ગંગાની ગંગોત્રી તરફ વહેતો ફરવાની પ્રક્રિયા.
આપણે તો તરવાની કોશિશ કરીને, સાગર સાથે બાથ ભીડીને, પોતાની જાતને બચાવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ જિસસે કહ્યું છે કે જે બચાવશે પોતાની જાતને તે મટી જશે. જે પોતે મટી જશે, તેને મિટાવવાનું કોઇનામાં સામર્થ્ય નથી. ગંગા તો સાગર તરફ જતાં જતાં સાગરમાં ઠલવાતાં પહેલાં, લડતી હશે, ઝઘડતી હશે, ભયભીત થતી હશે. મોતનો ભય એટલે જ લાગે છે. મોત એટલે સાગર સુધી પહોંચી ગયેલી ગંગા. મરવાથી બચવાની કોશિશમાં, જે સાગરમાં લીન થઇ જવાની મજા છે, તેનાથી પણ વંચિત રહી જવાય છે ને દુ:ખી પણ થવાય છે.
શરણાગતિ કહે છે કે લડો નહીં સમર્પિત થઇ જાઓ તો તમને અનુભવ થશે કે શરણમાં તમે ઝુકી ગયા છો, તેથી તમને કંઇક મળ્યું છે. તમે કાંઇ ગુમાવ્યું નથી. જાણે સાગર આવ્યો, ગંગોત્રી તરફ– જાણે તમને મળી ગયો અમૃતનો સ્ત્રોત, જાણે ચારે બાજુ ફરી વળ્યો જીવનના રહસ્યનો સ્ત્રોત. તો અરિહંત, સિદ્ધ, સાધુ એ બધા પ્રતીકાત્મક શબ્દો છે. એ અનન્ત સ્ત્રોતની, આપણી નિકટ આપણી સામે ઊભેલી આકૃતિઓ છે, જેને આપણે ઓળખી શકીએ છીએ. પરમાત્મા તો નિરાકારમાં ઊભો છે, એને ઓળખવો મુશ્કેલ છે. નિરાકારમાં પરમાત્માને ઓળખી શકે તે તો
ધન્ય છે.
પરંતુ આકારમાં પણ પરમાત્માની છબી ઘણી વાર આપણને દેખાય છે. ક્યારેક એ છબી મહાવીરમાં, ક્યારેક કોઇ બુદ્ધમાં, કયારેક કોઇ ક્રાઇસ્ટમાં, એ પરમાત્માની, એ નિરાકારની છબી દેખાય છે. પરંતુ એ છબીમાંના નિરાકારને ત્યારે પણ આપણે ચૂકી જઇએ છીએ. કારણકે એ છબીમાં આપણે ખોડ કાઢીએ છીએ. કહીએ છીએ કે આ છબીમાં જિસસનું નાક થોડું ઓછું