________________
નમો અરિહંતાણમ્: મંત્ર
૧૯૭
પરંતુ સામે પિંજરામાં રાખેલા પોપટમાં છે, તો એ ભાવ ભરોસો બની જાય, એ સંકલ્પ ઊંડો ઊતરી જાય. પરિણામે એ સમ્રાટ બેધડક યુદ્ધના મેદાનમાં નિર્ભય બનીને જાય. કારણકે એને ખાતરી થઇ ગઇ છે કે એને કોઇ મારી નહી શકે. એનો પ્રાણ તો પોપટમાં પુરાયેલો છે ! એ દૃઢ થઇ ગયેલો ભાવ એને આ પૃથ્વીપર એવો નિર્ભય બનાવી દેશે કે એને કોઇ નહીં મારી શકે. પરંતુ એ સમ્રાટની નજર સામે જો કોઇ એ પોપટની ગરદન મરડીને મારી નાખે તો એ સમ્રાટ પણ તરત જ, તે ક્ષણે મરી જશે. કારણકે ખ્યાલ એ જીવન છે, વિચાર જીવન છે, સંકલ્પ જીવન છે.
સંમોહન વિદ્યાના ઘણા પ્રયોગો થયા છે અને એ સિદ્ધ થઇ ચૂક્યું છે કે આ વાત સાચી છે. તમને સંમોહિત કરીને એક કાગળનો ટુકડો તમારી સામે રાખીને અવિરત સૂચન કર્યા કરવામાં આવે, કે આ કાગળના ટુકડાને ફાડી નાખીશું તો તું બીમાર પડી જઇશ અને પથારી પરથી પાછો નહીં ઉઠી શકે. આવું સુચન ત્રીસ દિવસ સુધી સતત પંદર મિનિટ સુધી રોજ તમને સંમોહિત કરીને કર્યા કરવામાં આવે, તો તમે માની લેશો કે તમારી પ્રાણઊર્જા એ કાગળમાં જ છે. જે દિવસે એ કાગળ તમારી સામે, તમે સંમોહિત ન હો ત્યારે ફાડી નાખવામાં આવે તે દિવસે તમે પથારીવશ થઇ જશો અને પાછા નહીં ઊઠો-જાણે તમારા શરીરને લકવા થઇ ગયો !
ન
શું થયું ? સંકલ્પ એકદમ ગહન બની ગયો. સંકલ્પ જ સત્ય બની જાય છે. આપણો જન્મોજન્મનો સંકલ્પ છે કે આ શરીર હું છું ! આ સંકલ્પ પણ, આપણો પ્રાણ કાગળમાં હોય કે પોપટમાં હોય, એવી દૃઢ માન્યતા જેવો જ છે. એમાં કાંઇ ફરક નથી. માટે આ શરીર હું નથી એ સંકલ્પ તોડયા વિના તપની યાત્રા શરૂ થઇ નહીં શકે. એ સંકલ્પ તૂટયા વિના ભોગની યાત્રા ચાલુ રહેશે. આપણે ભોગની યાત્રા પર નીકળવું છે, માટે જ આપણે આવો સંકલ્પ કર્યો હતો. એવો સંકલ્પ ન કર્યો હોત તો આપણે ભોગની યાત્રા પર નીકળી શક્યા ન હોત.
‘આ શરીર હું નથી ’એની જો મને ખાતરી હોય, તો મારા હાથથી સુંદર સ્ત્રીને સ્પર્શ કરવામાં મને રસ નહીં રહે. હું જો હાથ જ ન હોઉ અને હાથમાં લાકડી પકડીને એ લાકડીથી સુંદર સ્ત્રીનો સ્પર્શ કરું તો એમાં કાંઇ મજા આવશે ? લાકડી દ્વારા સ્પર્શ કરવામાં શું મજા આવે ? હાથ વડે સ્પર્શ કરવો જોઇએ. તપસ્વીનો હાથ તો લાકડી જેવો થઇ જવો જોઇએ. તપસ્વીએ પોતાનો પુરાણો સંકલ્પ પાછો ખેંચી લેવો જોઇએ. તપસ્વીએ સમજવું જોઇએ કે ‘આ હાથ હું નથી, હાથ માત્ર લાકડી છે.’ પછી એ હાથથી સ્ત્રીને સ્પર્શ કરો કે ન કરો, એ લાકડીથી સ્પર્શ કરવા જેવું છે. એનું કોઇ મૂલ્ય રહેતું નથી. એનો કોઇ અર્થ રહેતો નથી. આ સમજ આવ્યા પછી ભોગના સીમાડા સંકોચાઇ જશે ને તૂટી જશે.
ભોગનું સૂત્ર છે ‘આ શરીર હું છું’ તપનું સૂત્ર છે ‘આ શરીર હું નથી.’ ભોગનું સૂત્ર છે ‘આ શરીર હું છું’ તે વિધાયક સૂત્ર છે. તપનું સૂત્ર માત્ર એટલું જ હોય કે ‘આ શરીર હું નથી,’ તો તપ હારી જશે,