________________
જૈન પત્રકારત્વ
-પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ
(આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ. કુમારપાળ દેસાઈ દેશ-વિદેશમાં જેન ધર્મ પર સફળ પ્રવચનો આપે છે અને અનેક ગ્રંથોના સર્જક છે.
સવાલ એ છે કે, “જૈન પત્રકાર હોઈ શકે ખરો? પત્રકારને કોઈ જાતિ, જ્ઞાતિ કે સીમાથી બાંધી શકાય ખરો ? એની આસપાસ સંપ્રદાયની લક્ષ્મણરેખા આંકી શકાય ખરી ? આનો જવાબ નકારમાં જ આવે, પરંતુ એક અર્થમાં એ જૈન પત્રકાર એવો હોય કે જે પત્રકાર તો હોય જ, પરંતુ સાથોસાથ એની પાસે વિરલ અને વિશિષ્ટ એવા જૈનદર્શનમાંથી સાંપડેલી આગવી દષ્ટિ હોય, જેને ઇતિહાસ પાસેથી મળેલું અનુભવાયું હોય, જૈન ધર્મ પાસેથી પ્રાપ્ત જીવનકલા હોય અને એમાં નિહિત મૂલ્યો માટેની નિષ્ઠા હોય.
પત્રકારત્વ જગતમાં અમુક વિશિષ્ટ અભિગમ કે “દષ્ટિવંત” પત્રકારો જોવા મળે છે. કેટલાક પત્રકારની ઓળખ સામ્યવાદી વિચારધારાના પક્ષકાર એવા પત્રકાર તરીકે થાય છે. આ સામ્યવાદી પત્રકાર પત્રકાર તો ખરો જ, પરંતુ એ દુનિયાની ઘટનાઓને સામ્યવાદની વિચારસરણીમાંથી જાગેલી દષ્ટિથી મૂલવતો હોય છે. આજે કેટલાક પત્રકારોને આવી જ રીતે અમેરિકન પત્રકાર કહેવામાં આવે છે. આવો પત્રકાર અમેરિકાનાં દષ્ટિબિંદુઓથી ઘટનાઓનું તારણ આપતો હોય છે. અગિયારમી સપ્ટેમ્બર, (૧૧/૯) પૂર્વે અમેરિકન પત્રકાર આતંકવાદની ઘટનાને દેશવિશેષના સંદર્ભમાં જોતો હતો. આવી ઘટનાઓમાં એ કોઈ રાજકીય ઈરાદો જોતો હતો. હવે વિશ્વમાં બનતી આતંકવાદી ઘટનાઓને એકસૂત્રે જુએ છે અને વૈશ્વિક આતંકવાદી સંગઠનોના કાર્યના સંદર્ભમાં એને મૂલવે છે. વૈશ્વિક ઘટનાઓને અમુક ચોક્કસ અભિગમ ધરાવતો પત્રકાર કેવી રીતે મૂલવે છે અને સમય બદલતાં કેવાં નવાં સમીકરણો સાધે છે એનો ખ્યાલ ઉપરના ઉદાહરણ પરથી આવી શકશે.
૨૭