________________
સાચો જ્ઞાની કોણ?
કોઈકે સોક્રેટીસને પૂછયું, “બધા તમને ગ્રીસના સર્વશ્રેષ્ઠ જ્ઞાની માને છે. આ વાત તમે સ્વીકારો છો?' સોક્રેટીસે હા પાડી. પૂછનારને આશ્ચર્ય થયું કે, “સોક્રેટીસ પોતાની જાતને મહાન માને છે. મહાન તો તે કહેવાય કે જે પોતાને લઘુ માને. સોક્રેટીસને પોતાના જ્ઞાનનું અભિમાન લાગે છે.” પૂછનારના મોઢા પરથી એને થયેલા આશ્ચર્યને પારખી જઈને સોક્રેટીસે ખુલાસો કર્યો, “આપણે બધા અજ્ઞાની છીએ. પણ મને મારા અજ્ઞાનનું ભાન છે અને લોકોને પોતાના અજ્ઞાનનું ભાન નથી. એટલે હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું. જેને પોતાના અજ્ઞાનનું જ્ઞાન થાય એ જ સાચો જ્ઞાની છે.” પૂછનાર સોક્રેટીસના જવાબનો હાઈ પામી ગયો.
વાત આ છે. દુન્યવી જ્ઞાનને મેળવે તે જ્ઞાની નથી. પણ પોતાના અજ્ઞાનને, દોષોને, પાપોને, ત્રુટીઓને, વિભાવદશાને, સાચા સ્વરૂપને, ઢંકાયેલા ગુણોને, અપ્રગટ સ્વભાવદશાને જાણે તે જ્ઞાની છે. સાચો જ્ઞાની બહિર્મુખ ન હોય, પણ અંતર્મુખ હોય. પોતાના સ્વરૂપનું જેને જ્ઞાન નથી તેને દુનિયાનું જ્ઞાન કેટલું ઉપયોગી બનવાનું?
સમ્યજ્ઞાન દ્વારા પોતાના અજ્ઞાનનું જ્ઞાન અને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે. સમ્યજ્ઞાન જિનશાસનના શાસ્ત્રોના અવગાહનથી મળે છે. જિનશાસનમાં અનેક શાસ્ત્રો છે. તેમાં એક શાસ્ત્ર એટલે શ્રીવિચારસપ્તતિકા.
“શ્રીવિચારસપ્રતિકા' ગ્રંથની રચના અંચલગચ્છીય શ્રી મહેન્દ્રસૂરિ મહારાજે કરેલ છે. તેઓ શ્રી ધર્મઘોષસૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓ વિક્રમની તેરમી સદીમાં થયા હતા. તેમણે મનઃસ્થિરીકરણપ્રકરણ, આયુઃસંગ્રહ, પરિગ્રહપ્રમાણ વગેરે ગ્રંથોની પણ રચના કરી છે. શ્રીવિચારસપ્તતિકા ગ્રંથની ૮૧ ગાથાઓ છે. તે પ્રાકૃત ભાષામાં રચાઈ છે. આ ગ્રંથમાં બાર વિચારોને સંક્ષેપમાં રજૂ કરાયા છે.