________________
સમર્પણમ સિંહસતાસ્વામી જિનશાસનશિરતાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
એક સદી જેટલા વિરાટ સમયખંડમાં પથરાયેલું, સેંકડો ઘટનાઓને સમાવી લેતું, હજારો પરિચિતો સાથે સંકળાયેલું અને લાખો વ્યક્તિઓને સ્પર્શતું તેઓશ્રીનું જિનશાસન સમર્પિત સમગ્ર જીવન એક વિહંગાવલોકનથી નિહાળીએ તો તેમના મુખ્ય બે ગુણ નજર સામે તરી આવે - ભીમ અને કાંત ! વીરરસથી ધગધગતો ભીમગુણ અને શાંતરસથી છલોછલ થતો કાંતગુણ !
પોતાને દઝાડનારાઓને એમણે નિર્મળ વાત્સલ્યથી નવડાવી દઈને સદા શાંતરસનો અનુભવ કરાવ્યો છે અને જિનશાસનને દઝાડનારાઓને એમણે સદા ધગધગતા અંગારા જેવા વીરરસનો પરિચય કરાવ્યો છે... પોતાના અપરાધીઓને એમણે સદા મિત્ર જ માન્યા છે, પણ જિનશાસનના અપરાધીઓને એમણે ક્યારેય મિત્ર નથી માન્યા – વર્ષોથી નિકટતમ હતા તો પણ.
દેવગુરુ પ્રત્યે ભક્તિભીનાં અને ભક્તો-વિરોધીઓ સૌ પ્રત્યે કરુણાભીનાં એમનાં નિર્વિકાર નયન શાસનરક્ષા અને ચોયણા-પડિચોયણાં આદિ પ્રસંગોમાં લાલઘુમ પણ થઈ શકતાં હતાં... જોતાં વેંત આકર્ષી લે એવું મોહક સ્મિત સર્જતા બે હોઠને તેઓ સત્યરક્ષા પ્રસંગે સામેવાળાને ધ્રુજાવી દે એ રીતે ભીડી પણ શકતા હતા... અમૃતનિઝરવહાવતા તેઓના કોમલ કરકમલ ધર્મ ઉપરના આક્રમણોને મારી હઠાવતી કરાલ કરવાલ પણ બની શકતા હતા.
સાથે કોણ કોણ છે, કેટલા છે..... સામે કોણ કોણ છે, કેટલા છે ? - આવું બધું જોવા બેસવાનું એમના સ્વભાવમાં જ નહોતું. એમની નીતિ સ્પષ્ટ હતી. જિનમતના આગ્રહી સૌ મારી સાથે જ છે અને નિજમત કે જનમતના આગ્રહીઓ સૌ મારી સામે છે. પછી ભલે એ પાસે હોય કે દૂર હોય ! તેમની આવી છાપ વિરોધીઓમાં પણ હતી.
શ્રીસંઘમાં ઉત્પન્ન થયેલા પ્રાય: તમામ વિવાદોમાં પ્રચંડ લોકમત અને પ્રબલ લોકહિત સામ સામે ટકરાયાં હતાં - આવી સ્થિતિમાં લોકમત તરફ ઝૂકી જઈને લોકપ્રિય બનવાનો વિચાર પણ એમને નહોતો આવ્યો, બલકે તમામ આક્રમણો અને આકર્ષણોને અવગણીને તેઓ લોકહિતને વળગી રહ્યા હતા. કારણ કે તેઓ સાચા સંઘહિતચિંતક હતા. સંઘને સન્માર્ગે દોરવાની ભાવના સ્વરૂપ સંઘવાત્સલ્યથી તેઓનું હૃદય છલોછલ હતું.
તેમના વ્યક્તિત્ત્વનું એક તેજદાર પાડ્યું હતું - સ્પષ્ટ નિર્ણય શક્તિ. તુલા રાશિ અને તુલા લગ્ન લઈને જન્મેલા પૂજ્યશ્રીમાં ત્રાજવાના બંને પલ્લાને ન્યાય આપવાની કળાકુશળતા જન્મજાત હતી. વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચાઓમાં દર વખતે પક્ષનું સુકાન તમામ વડીલો તેઓને જ સોંપતા. તેમનું નિવેદન ચતુર્વિઘ સંઘના અગ્રણીઓ ખૂબ ગંભીરતાપૂર્વક સાંભળતા. બોલાયેલો શબ્દ એમણે ક્યારેય પાછો લેવો પડ્યો નથી કે ફેરવી તોળવો પડ્યો નથી !