________________
ધર્મબિંદુપ્રકરણ
અનુવાદકનું વક્તવ્ય હું સાધુઓને ધર્મબિંદુ ગ્રંથ વંચાવતો હતો ત્યારે વિ. સં. ૧૯૬૭માં શ્રીજૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયેલ સંસ્કૃતટીકા સહિત ગુજરાતી ભાષાંતરવાળો ધર્મબિંદુ ગ્રંથ મારા જોવામાં આવ્યો. આ ગ્રંથનું પુનઃ પ્રકાશન થાય તો ઉપયોગી બને એવી ભાવનાથી એ ગ્રંથનું સંશોધન કાર્ય મેં શરૂ કર્યું. સંશોધન કરતાં જણાયું કે આ અનુવાદમાં અનેક સ્થળે અર્થની અશુદ્ધિઓ છે. જેમ કે-અ. ૨ સૂ. ૯ ની ટીકામાં આવેલા યોગબિંદુ ગ્રંથના પ૩મા શ્લોકમાં “ક્રિયોદાહરણાત'' એ પદનો અર્થ “ક્રિયાના સ્વરૂપથી જાણી લેવું” એવો કર્યો છે. આ અર્થ તદ્દન ખોટો છે. તેની ટિપ્પણ પણ તદ્દન ખોટી છે. આનો સાચો અર્થ મેં યોગબિંદુની ટીકાના આધારે આ અનુવાદમાં જણાવ્યો છે. વાચકોને પૂર્વના અનુવાદમાં રહેલી અશુદ્ધિઓનો સામાન્યથી ખ્યાલ આવે તેટલા પૂરતું જ આ એક સ્થળ અહીં જણાવ્યું છે. બાકી અન્ય અનેક સ્થળે વધારે-ઓછી અશુદ્ધિઓ રહેલી છે. આથી મેં નવેસર અનુવાદ લખવાનો પ્રારંભ કર્યો. ટીકામાં જ્યાં
જ્યાં અન્યગ્રંથોના સાક્ષીપાઠો આવ્યા ત્યાં ત્યાં તે શ્લોકની ટીકાના આધારે અર્થ લખ્યો છે. અનુવાદમાં ભાષા સરળ બને અને અર્થની અશુદ્ધિ ન રહે તેની પૂર્ણ કાળજી રાખી છે. આમ છતાં અનુપયોગ આદિથી અર્થ અશુદ્ધ લખાયો હોય તો વાચકો મને જણાવે એવું વિનમ્ર સૂચન કરું છું. અનેક સ્થળે કાઉંસમાં લખીને કે ટીપ્પણી કરીને ભાવાર્થને વિશેષ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
આ પ્રસંગે મારા આંતર જીવનના વિકાસમાં સર્વાધિક ઉપકારીઓ સિદ્ધાંતમહોદધિ, બ્રહ્મનિષ્ઠ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા અને નિઃસ્પૃહતાગુણથી સર્વત્ર સંયમની સુવાસ ફેલાવનારા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજાનું પ્રણિધાન કરું છું. અનુવાદની અત્યંત સુવાચ્ય પ્રેસકોપી તૈયાર કરી આપનારા અને મૂફ સંશોધન આદિમાં સહયોગ દાતા પ. પૂ. ગુરુદેવશ્રી (આ. શ્રીમદ્વિજય લલિતશેખર સૂરીશ્વરજી મહારાજા) ને ભાવભરી વંદના કરું છું. પ્રૂફસંશોધન આદિમાં સહાય કરનારા મુનિશ્રી ધર્મશેખર વિજયજી આદિ પણ સ્મૃતિપથમાં આવ્યા વિના રહેતા નથી. અનુવાદ કરવામાં અને સંપાદન કાર્યમાં જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ધર્મબિંદુ ગ્રંથની પ્રત વગેરે અનેક ગ્રંથો સહાયભૂત બન્યા છે. આથી તે તે ગ્રંથોના સંપાદક આદિ પ્રત્યે કૃતજ્ઞતા પ્રદર્શિત કરવાનું મારા માટે અનિવાર્ય બની જાય છે.
પ્રાંત, અનુવાદમાં મૂલગ્રંથરકારના અને ટીકાકારના આશયથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્.