________________
ધર્મબિંદુપ્રકરણ
બૌદ્ધો હથિયારો લઇ તેમની પાછળ પડયા, તેઓએ હંસને રસ્તામાં જ મારી નાખ્યા, અને પરમહંસ સૂરપાળ રાજાને શરણે પહોંચી ગયા હતા. તેમને પકડવા બૌદ્ધોએ આગળ પ્રયાણ લંબાવ્યું. તેઓએ સુરપાળને પોતાનો શત્રુ સોંપી દેવા વિનંતિ કરી. પરન્તુ ન્યાયપ્રિય સુરપાળે બૌદ્ધોને સાફસાફ સંભળાવી દીધું કે-સાચો ક્ષત્રિય પ્રાણાંતે પણ શરણાગતનું રક્ષણ કરે છે, એટલે તમારી ઇચ્છા બર આવે તેમ નથી. હા, તમે તેમની સાથે શાસ્ત્રાર્થ કરો, તેમને હરાવો અને પછી ઉચિત કરો, એમાં મને વાંધો નથી. બીજે દિવસે જ રાજા સુરપાળની સભામાં બૌદ્ધાચાર્ય અને પરમહંસનો શાસ્ત્રાર્થ થયો. તેમાં બૌદ્ધો હાર્યા. પરમહંસ રાજાના ઇશારાથી તક જોઈને ત્યાંથી નાસી છૂટયા અને પકડવાને ફરી વાર પાછળ પડેલા બૌદ્ધ સુભટોથી પોતાને બચાવી ચિત્તોડ પહોંચી ગયા.
પરમહંસે આ. હરિભદ્રસૂરિ પાસે જઈ પ્રથમ હંસે તથા પોતે ગુરુની આજ્ઞા લોપી છે તેની ફરીફરીવાર માફી માગી, પછી પોતાની ઉપર જે વીત્યું તે કહી સંભળાવ્યું અને એ કહેતાં કહેતાં તે ત્યાંજ મૃત્યુ પામ્યા.
આચાર્યશ્રીએ તેમને અવિનય માટે માફી આપી. તેઓની ધર્મઘગશ માટે ખૂબ પ્રશંસા કરી અને તેઓના અવસાન માટે ખૂબ શોક કર્યો. તેમણે વિચાર્યું કે-મેં બૌદ્ધોને ઘણીવાર હરાવ્યા છે. તેઓએ મારા શિષ્યોને મારી નાખ્યા તેનો બદલો ન લઉં ત્યાં સુધી મારા મનમાં ખટકો રહેવાનો અને એ ખટકો રાખીને મરીશ તો મારી સગતિ નહીં થાય, તો એ ખટકાને દૂર કરવા માટે મારે ઉચિત બદલો લેવો જ જોઇએ. તેઓશ્રી આ પ્રમાણે વિચારી ગુરુની આજ્ઞા લઈ ચિત્તોડથી વિહાર કરી સુરપાળના નગરમાં પધાર્યા. અને સુરપાળની સભામાં જઈ તેના શરણાગતરક્ષા ગુણની પ્રશંસા કરી બોલ્યા: “તમે અમારો અને બૌદ્ધોનો શાસ્ત્રાર્થ થાય તેવો પ્રબંધ કરી દો.'
રાજાએ યુક્તિ કરી બૌદ્ધનગરથી બૌદ્ધાચાર્યને બોલાવ્યા. શાસ્ત્રાર્થનું નક્કી કર્યું અને આ. હરિભદ્રસૂરિ તથા બૌદ્ધાચાર્ય મુકરર દિવસે રાજસભામાં સામસામે આવી ઊભા. આ શાસ્ત્રાર્થમાં બૌદ્ધાચાર્ય તરફથી એવી શરત હતી કે - “જે હારે તે તપેલી તેલની કઢાઈમાં પડી મરણ પામે.”
શાસ્ત્રાર્થ ચાલ્યો. તેમાં બૌદ્ધાચાર્ય હાર્યો એટલે તેલની કઢાઈમાં પડી મરણ પામ્યો. ત્યાર પછી બીજા પાંચ-છ બૌદ્ધો શાસ્ત્રાર્થ કરવા આવ્યા અને એ જ રીતે હારી મરણ પામ્યા. આ ઘટનાથી બૌદ્ધોમાં મોટો ખળભળાટ મચ્યો, અને હંસ પરમહંસ ઉપર કેર વર્તાવ્યો હતો તેનું આ કડવું ફળ છે એમ જાણ્યું, એટલે મૌન બની તેઓ ત્યાંથી ચાલ્યા ગયા.
૧
૧