________________
પ્રાકથન
શ્રાવક પ્રજ્ઞપ્તિ મૂળ ગ્રંથના કર્તા વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજા છે કે સુગૃહીત નામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા છે એ વિષે વિદ્વાનોમાં મતભેદ છે. આમ છતાં શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથ વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત છે એવી વર્તમાનમાં પ્રસિદ્ધિ હોવાથી પ્રસ્તુત પુસ્તકમાં શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત એવો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન છે. આથી શ્રાવકનાં બાર વ્રતોને વિસ્તારથી સમજવા માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. પ્રસ્તુત ગ્રંથમાં મુખ્યતયા શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન હોવા છતાં પ્રસંગે પ્રસંગે બીજા અનેક વિષયોનું આમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુસ્તકમાં આપેલી અનુક્રમણિકા જોવાથી આનો ખ્યાલ આવી જશે. આથી આ ગ્રંથને ચિંતન-મનનપૂર્વક વાંચવામાં આવે તો ઘણો બોધ થાય. સંસ્કૃત ભાષાના અલ્પ બોધવાળા સાધુ-સાધ્વીઓના તથા જિજ્ઞાસુ શ્રાવકશ્રાવિકાઓના બોધમાં આ ગ્રંથના વાંચનથી વૃદ્ધિ થાય એ હેતુથી આ ગ્રંથનો સટીક ગુજરાતી અનુવાદ કર્યો છે.
ગુજરાતી અનુવાદ કરવામાં જેમની દિવ્યકૃપાની સતત વૃષ્ટિ થઇ રહી છે તે સિદ્ધાંતમહોદધિ સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમગીતાર્થ સ્વ.પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મહારાજા અને વર્ધમાનતપોનિધિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલલિતશેખરસૂરીશ્વરજી મહારાજાને નતમસ્તકે ભાવભરી વંદના કરું છું. પ્રસ્તુત ગ્રંથનું સંપાદન કાર્ય કરીને મુનિશ્રી ધર્મશેખરવિજયજી તથા પ્રુફ સંશોધન-વેયાવચ્ચ આદિ દ્વારા મુનિશ્રી દિવ્યશેખરવિજયજી સહાયક બન્યા છે. આથી તે બંને આ પ્રસંગે સ્મૃતિપથમાં આવે એ સહજ છે. પ્રસ્તુત અનુવાદની સુવાચ્ય અક્ષરોમાં પ્રેસકોપી તૈયાર કરવા દ્વારા ભક્તિ કરનારા સા.શ્રી રોહિતાશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી કૈવલ્યરત્નાશ્રીજી પણ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી.
સુશ્રાવક નરેશભાઇ પત્રાવાળાએ અનુવાદનું વાંચન કરીને યથાયોગ્ય સૂચનો કર્યા છે. આ અનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે ગ્રંથકાર-ટીકાકારના આશયથી વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય તે બદલ ક્ષમાની યાચના કરવા સાથે ત્રિવિધ-ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં થાઓ. અનુવાદમાં ક્ષતિ જણાય તો વિદ્વાન મહાશયો મારા ઉપર કૃપા કરીને જણાવે એ જ અભ્યર્થના.
- આચાર્ય રાજશેખરસૂરિ
શ્રી રામચંદ્રસૂરિ આરાધના ભવન
૫, મહાવીરધામ સોસાયટી,
હરણી રોડ, વડોદરા.
વિ.સં. ૨૦૬૭, પો.વ. દ્વિતીય આઠમ