________________
અજ્ઞાન જીવો દુઃખનાં કારણોને સુખનાં કારણો માને છે. બાહ્ય ભૌતિક પદાર્થોથી સુખ મળે છે અને તેના અભાવે દુ:ખ મળે છે એવી તેમની માન્યતા છે. પોતાને સુખી માનનાર અજ્ઞાન માનવને પૂછવામાં આવે કે તમે સુખી કેમ છો, તો તે ઝટ કહેશે કે, મારી પાસે સંપત્તિ છે, સત્તા છે, સૌંદર્ય છે, સ્વજન-સ્નેહીઓ છે, મોટર છે, બંગલો છે, ટેલિફોન વગેરે પણ છે. પોતાને દુ:ખી માનનાર કોઇ વ્યક્તિને દુ:ખનું કારણ પૂછવામાં આવે તો તે તેના જવાબમાં મારી પાસે ધન નથી, મોટર, બંગલો વગેરે સુખનાં સાધનો નથી... આવું જ સાંભળવા મળે.
આથી સુખનાં સાધનો મળતાં, એમનો ઉપયોગ કરતાં અને એમનું રક્ષણ કરતાં આનંદ-રાગ કરે છે અને સુખનાં સાધનો ન મળે કે જતાં રહે ત્યારે શોક-દ્વેષ કરે છે.
પ્રસ્તુત ગ્રંથકાર મહાપુરુષ કહે છે કે, “સંસારસુખ અને તેનાં સાધનો ઉપર રાગ તથા દુઃખ અને દુઃખનાં સાધનો ઉપર દ્વેષ એ જ જીવોના દુઃખનું મૂળ છે. રાગ-દ્વેષના યોગે કર્મબંધ થાય છે. કર્મના યોગે જન્માદિ રૂપ સંસાર છે. સંસારના કારણે દુ:ખનો અનુભવ કરવો પડે છે. આમ દુ:ખનું મૂળ ૧ રાગ-દ્વેષ છે. આથી રાગ-દ્વેષ દૂર થતાં દુઃખ દૂર થાય છે અને સત્ય સુખનો અનુભવ થાય છે.
રાગ-દ્વેષનો અભાવ એ જ પ્રશમ છે. પ્રશમના યોગે પ્રાપ્ત થતું સુખ જ સત્ય સુખ છે. જીવોને પ્રશમસુખ મળે એ જ ઇરાદાથી પ્રસ્તુત ગ્રંથની રચના કરવામાં આવી છે. ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથમાં પ્રશમસુખ એ જ સત્ય સુખ છે, આથી પ્રશમસુખ માટે જ પ્રયત્ન કરવો જોઇએ, એમ વારંવાર ઉપદેશ આપ્યો છે.
વર્તમાનમાં આપણા માટે સ્વર્ગનું સુખ દૂર છે, મોક્ષનું સુખ તો એથી ય વધારે દૂર છે. પણ પ્રશમસુખ તો આપણી પાસે જ છે. સ્વર્ગસુખ અને મોક્ષસુખ તો મળશે ત્યારે મળશે પણ પ્રશમસુખ તો વર્તમાન જીવનમાં મળી શકે છે. ભોગસુખો ભયથી ભરેલા છે, જ્યારે પ્રશમસુખ નિર્ભય છે. ભોગસુખ માટે ભૌતિક સાધનોની ભીખ માગવી પડે છે, જ્યારે ૧. ૫૩ થી ૫૭ ગાથા જુઓ.