________________
પંચસૂત્ર
૧૫૭
ધર્મબીજો
કરવામાં આવતો નમસ્કાર સમજવો. વાચિક નમસ્કારના ઉપલક્ષણથી સ્તુતિ પણ યોગબીજ છે. એમ સમજી લેવું.
૩. જિનોને પ્રણામાદિ- અહીં પ્રણામ શબ્દથી પંચાંગ પ્રણિપાત ( ખમાસમણું) વગેરે કાયિક વંદનના પ્રકારો સમજવા. આદિ શબ્દથી પ્રદક્ષિણા આપવી વગેરે કાયિક પ્રવૃત્તિ સમજવી.
સંશુદ્ધ- અહીં કુશલચિત્ત' વગેરેનું “સંશુદ્ધ” એવું વિશેષણ છે. કુશલચિત્ત વગેરે સંશુદ્ધ હોવા જોઇએ. સંશુદ્ધ વિશેષણ અસંશુદ્ધ કુશલચિત્ત આદિનો નિષેધ કરવા માટે છે. અસંશુદ્ધ કુશળચિત્ત આદિ યોગબીજ નથી. સાંસારિક ફળની ઇચ્છાથી કરવામાં આવતા પ્રણામ વગેરે અસંશુદ્ધ છે = સંશુદ્ધ નથી. મોક્ષની ઇચ્છાથી અથવા તો જિન પ્રત્યે પ્રેમ થવાના કારણે સાંસારિક ફળની ઇચ્છા વિના થતા પ્રણામાદિ સંશુદ્ધ છે.
અહીં કહેલા કુશલચિત્ત વગેરે બધા ભેગા મળીને યોગબીજ છે, અથવા પ્રત્યેક (=એક એક) પણ યોગ બીજ છે. યોગબીજ એટલે મોક્ષની સાથે જોડી આપનારા અનુષ્ઠાનનું કારણ. યોગબીજથી મોક્ષની સાથે જોડી આપે તેવા અનુષ્ઠાનોની પ્રાપ્તિ થાય છે અને પછી એ અનુષ્ઠાનો આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. આમ યોગબીજ સીધી રીતે મોક્ષનું કારણ નથી, કિંતુ મોક્ષની સાથે જોડી આપે તેવા અનુષ્ઠાનોની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ છે.
સર્વશ્રેષ્ઠ- જિનો વિષે કુશળ ચિત્ત વગેરે સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. આ યોગબીજ સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે એનો ( યોગબીજનો) વિષય સર્વશ્રેષ્ઠ છે. યોગબીજનો વિષય જિન છે, કારણ કે કુશળચિત્ત વગેરે જિનને આશ્રયીને છે. જિન સર્વજીવોમાં ઉત્તમ છે. એથી એમને કરેલા પ્રણામાદિ પણ સર્વશ્રેષ્ઠ છે.
આ ગાથાનો ટૂંકમાં સાર એ છે કે- મન-વચન-કાયાથી શુભભાવપૂર્વક જિનભક્તિ કરવી એ સર્વશ્રેષ્ઠ યોગબીજ છે. (૨૩)
ભાવયોગી એવા આચાર્ય આદિમાં પણ સંશુદ્ધ કુશલચિત્ત વગેરે યોગબીજ છે. તથા શુદ્ધ આશયવિશેષથી વિધિયુક્ત વેયાવચ્ચ યોગબીજ છે.
ભાવયોગી- ભાવથી જે યોગી બન્યા હોય તે ભાવયોગી. અહીં “ભાવયોગી એવા આચાર્ય આદિમાં” એમ કહીને ધર્મરહિત દ્રવ્ય આચાર્ય આદિનો નિષેધ